AI માટેના નિયમ કડક બનાવી રહી છે સરકાર: સોશિયલ મીડિયાને કેમ આ નિયમ ભારે પડશે એ વિશે જાણો…

મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ઇન્ફર્મેશન ટેકનોલોજી રૂલ 2021માં બદલાવ કરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં ન આવે એ માટે આ બદલાવ કરવામાં આવશે. આ બદલાવ માટેનો ડ્રાફ્ટ રિલીઝ પણ કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે સિન્થેટિક જનરેટેડ ઇન્ફર્મેશન વિશે પ્લેટફોર્મ દ્વારા સાફ માહિતી આપવી પડશે. મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા હવે આ પ્રકારના કન્ટેન્ટ પર એક લેબલ અથવા તો ટૅગ લગાડવું જરૂરી બનશે. આ માહિતીનો સમાવેશ મેટાડેટામાં હોવો પણ જરૂરી છે.

સોશિયલ મીડિયાએ આ વધારાના નિયમને પણ ફોલો કરવો પડશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા હવે દરેક નિયમોની સાથે આ વધારાના નિયમનો પણ અમલ કરવો પડશે. ભારતમાં પચાસ લાખથી વધુ રજિસ્ટર્ડ યુઝર હશે એ કંપનીએ આ નવા નિયમનો અમલ કરવો પડશે. આ માટે AI જનરેટેડ કન્ટેન્ટ છે એ યુઝરને દેખાડવું પડશે અથવા તો એના પર હંમેશાં માટે એક લેબલ હોય એ રીતનું કંઈ પણ બનાવવું પડશે.

ટૂંકમાં યુઝરને જોતા ખબર પડવી જોઈએ કે આ AI કન્ટેન્ટ છે. વીડિયોની સ્ક્રીન જેટલી પણ હોય એના દસ ટકા ભાગમાં આ લેબલ દેખાવું જોઈએ. AI કન્ટેન્ટ ઓડિયો હોય તો એ જેટલો લાંબો હશે એના દસ ટકા એક ઓડિયો સાથે આપવો પડશે કે આ કન્ટેન્ટ AI જનરેટેડ છે.

AI જનરેટેડ કન્ટેન્ટને પ્લેટફોર્મે જાહેર કરવું ફરજિયાત

આ નિયમ એ દરેક પ્લેટફોર્મને લાગુ પડે છે જે AI કન્ટેન્ટને જનરેટ કરવા દે છે અથવા તો એમાં એડિટિંગ પણ કરવા દે છે. આથી મોટાભાગની દરેક ટેકનોલોજી કંપનીએ એ કરવું પડશે એવું લાગી રહ્યું છે. આ સાથે જ યુઝર દ્વારા જે કન્ટેન્ટ અપલોડ કરવામાં આવે એ પણ AI જનરેટેડ હોય તો એ પણ યુઝરને જણાવવું પડશે.

ઇન્ટરનેટને વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવવા માટે મિનિસ્ટ્રી દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે. આ માટે મિનિસ્ટ્રી દ્વારા સ્ટેકહોલ્ડર્સ પાસે ફીડબૅક પણ માગ્યો છે. આ માટેની સમયમર્યાદા 6 નવેમ્બર છે.

error: Content is protected !!