
સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારત યુએસના આદેશોથી ડરી જશે તેવી ચાલતી વાર્તાઓ વચ્ચે, ભારતે નવેમ્બર મહિનામાં રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદીનો માસિક રેકોર્ડ બનાવી દીધો છે. ઘરેલુ રિફાઈનરીઓએ મોટા પાયે ક્રૂડનો સ્ટોક કરતા આયાતમાં મોટો ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ સ્થાને રાખે છે.

નવેમ્બર મહિનામાં રશિયા પાસેથી ક્રૂડ તેલની આયાતે માસિક ધોરણે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ આયાતમાં ભારે વધારો જોવા મળ્યો છે, કારણ કે ભારતીય રિફાઈનરીઓએ સસ્તા દરે ઉપલબ્ધ ક્રૂડ તેલનો જથ્થો ખરીદવાની દોડ લગાવી દીધી હતી.

રિપોર્ટ્સ અનુસાર, નવેમ્બરમાં રશિયાથી શિપમેન્ટ લગભગ 1.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ (બીપીડી) ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. આ તેલની ખરીદીમાં થયેલો જંગી વધારો એવા સમયે થયો છે, જ્યારે સોશિયલ મીડિયા પર અને અમુક આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં એવી વાતો ચાલી રહી હતી કે અમેરિકાના પ્રતિબંધોના આદેશોના ડરથી ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી દેશે. રેકોર્ડ આયાતના આ આંકડાઓએ આવી તમામ પાયાવિહોણી વાર્તાઓને ખોટી સાબિત કરી છે.












