HomeAllચોમાસું બસ હવે ગણતરીના દિવસોમાં, ખેડૂતો શરૂ કરી દો વાવણીની તૈયારીઃ પરેશ...

ચોમાસું બસ હવે ગણતરીના દિવસોમાં, ખેડૂતો શરૂ કરી દો વાવણીની તૈયારીઃ પરેશ ગોસ્વામીની આગાહી

ઉત્તર ભારત હાલ ભીષણ ગરમી અને લૂ ની ઝપેટમાં છે. નૌતપા દરમિયાન આકાશમાંથી વરસી રહેલા અગન ગોળાએ લોકોનું જીવવું મુશ્કેલ કર્યું છે. સવાર થતાં જ આકરો તડકો અને ગરમ પવન શરૂ થઈ જાય છે. રાજસ્થાનથી લઈ ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ની આગાહી મુજબ મે મહિનાના અંત સુધી આ ગરમી આવી જ રહેશે. અત્યારે જે અસહ્ય ઉકળાટ અનુભવાય છે તે જુન મહિનાના અંત સુધીમાં જોવા મળશે. આ સિવાય રાહતના સમાચાર એ છે કે નૈઋત્યનું ચોમાસું કેરળ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાત સહીત અરબી સમુદ્રના કાંઠે આવેલા રાજ્યોમાં ચોમાસું સારું રહેશે પણ ઉત્તર ભારતમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ સારો રહેશે અને ચોમાસું સમયસર આવશે અને તમામ ખેડૂત ભાઈઓએ આગામી 7 જૂન સુધીમાં પોતાના ખેતરની તમામ પૂર્વ-તૈયારીઓ કરી લેવી, જેથી પહેલા વરસાદે જ વાવણી કરી શકાય.

મુંબઈ સમાચાર સાથે વાત કરતાં પરેશ ગોસ્વામીએ કહ્યું , હાલના દિવસોમાં ગુજરાતમાં તાપમાન મહદઅંશે નિયત મર્યાદામાં હોવા છતાં, અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો છે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી તાપમાનમાં ઘટાડો નોંધાશે, પરંતુ બફારાનો આ પ્રકોપ 30 જૂન સુધી યથાવત રહેશે. ચોમાસાના આગમન પછી પણ ઉકળાટમાંથી વાસ્તવિક રાહ જુલાઈ મહિનામાં જ મળશે.

પ્રી-મોન્સુન એક્ટિવિટીનો બીજો રાઉન્ડ

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 20 મે પછી પ્રી-મોન્સુન એક્ટિવિટીનો પ્રથમ રાઉન્ડ જોવા મળ્યો હતો. હવે 1 થી 8 જૂન દરમિયાન પ્રી-મોન્સુન એક્ટિવિટીનો બીજો રાઉન્ડ શરૂ થશે, જેમાં તેની તીવ્રતા અને વિસ્તાર બંને વધશે. આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટાં પડી શકે છે. જો કે, આ વાવણી લાયક વરસાદ નહીં હોય, તેથી ખેડૂતોએ ઉતાવળ ન કરવી.

ચોમાસું ક્યારે બેસશે અને કેવું રહેશે?

પરેશ ગોસ્વામીએ જણાવ્યું, નૈઋત્યનું ચોમાસું હાલ સમય કરતાં 4 થી 5 દિવસ વહેલું ચાલી રહ્યું છે. તે બંગાળની ખાડી, અંદમાન નિકોબાર ટાપુઓ અને શ્રીલંકાને કવર કરીને અરબ સાગરમાં પ્રવેશી ચૂક્યું છે. કેરળમાં ચોમાસાના સત્તાવાર આગમન માટેના નિયત ક્રાઈટેરિયા પૂર્ણ થઈ ગયા છે, માત્ર પવનની ગતિ સાનુકૂળ થવાની રાહ જોવાઈ રહી છે.

ગુજરાતમાં 95 ટકા આસપાસ વરસાદ પડશે

આ ઉપરાંત તેમણે કહ્યું, કેરળમાં ભલે ચોમાસું વહેલું બેસે, પરંતુ ગુજરાતમાં તે પોતાના નિયત સમયે એટલે કે 15 જૂનની આસપાસ જ દસ્તક દેશે. આ વર્ષે અલ નિનો સક્રિય થવાને કારણે ઉત્તર અને પૂર્વ ભારતમાં ચોમાસું કદાચ સામાન્ય કે નબળું રહી શકે છે. પરંતુ આઈઓડી’ (ઇન્ડિયન ઓશન ડાયપોલ) પોઝિટિવ રહેવાને કારણે અરબ સાગરના કિનારે આવેલા રાજ્યો—ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કેરળમાં ચોમાસું ખૂબ જ સારું રહેશે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ 95 ટકાની આસપાસ સારો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને વાવણી પહેલાં કેટલીક મહત્વની કાળજી રાખવા સૂચન કર્યું છે.
1 બિયારણની પસંદગી: જો કૂવા કે બોરના પાણીની વ્યવસ્થા હોય અને એડવાન્સમાં વાવણી કરવી હોય તો જ લાંબા ગાળાની મગફળી (જેમ કે G-20, GG-24) વાવવી. 15 જૂનની આસપાસ ચોમાસાના વરસાદથી વાવણી કરવાની હોય તો ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની કોઈ પણ મગફળી પસંદ કરી શકાય છે.

  1. જર્મિનેશન ટેસ્ટ (ઉગાવા ક્ષમતાની ચકાસણી): મોંઘા બિયારણને સીધું ખેતરમાં વાવતા પહેલાં, ઘરે 50 કે 100 દાણા વાવીને જોઈ લેવા. જો 50 માંથી ઓછામાં ઓછા 45 દાણા સફળતાપૂર્વક ઉગી નીકળે, તો જ તે બિયારણનો ઉપયોગ કરવો.
  2. પટ આપવોઃ અતિશય ગરમીને કારણે પાકમાં સુકારો કે અન્ય રોગ ન આવે તે માટે બિયારણને ફૂગનાશક કે જીવાતરોધક દવાનો પટ આપવો ખૂબ જ અનિવાર્ય છે.
RELATED ARTICLES

Most Popular

Recent Comments