
‘પ્રગતિ પથ યાત્રા’, ‘જન કલ્યાણ શિબિર’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ના સુચારુ આયોજન માટે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ અને પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ સાથે જન કલ્યાણ શિબિરોમાં સેવાસેતુની ૫૬ પ્રકારની સેવાઓનો સ્થળ પર જ મળશે લાભ

દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આગામી તા. ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લામાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત જિલ્લામાં યોજાનારા ત્રિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમોના સફળ આયોજન માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરીને કાર્યક્રમોને અસરકારક અને સફળ બનાવવા સૂચના આપી હતી.

આ આયોજન અંતર્ગત જિલ્લામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ‘પ્રગતિ પથ યાત્રા’ દ્વારા સરકારની વિકાસયાત્રા અને વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. ‘જન કલ્યાણ શિબિર’ દ્વારા છેવાડાના પરિવારો સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવામાં આવશે, જ્યારે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ સંમેલન) મારફતે સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે રાષ્ટ્ર વિકાસના વિષયો પર સંવાદ યોજાશે.

કાર્યક્રમોના ભાગરૂપે જિલ્લાભરમાં વ્યાપક વૃક્ષારોપણ, સઘન સ્વચ્છતા અભિયાન તથા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરતી વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, ‘જન કલ્યાણ શિબિર’ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નાગરિકોની વહીવટી સરળતા માટે ‘સેવાસેતુ’ અંતર્ગત મળવાપાત્ર ૫૬ પ્રકારની વિવિધ સરકારી સેવાઓ અને દાખલાઓનો લાભ પણ અરજદારોને સ્થળ પર જ આપવામાં આવશે.

આ ઉજવણીને લોકઉત્સવનું સ્વરૂપ આપવા જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો, સંતો-મહંતો, સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ, યુવાઓ તથા મોટી સંખ્યામાં આમ જનતાને કાર્યક્રમોમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





















