દિવ્યક્રાંતિ ન્યુઝના અસરકારક અહેવાલ બાદ મોરબી નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈ કાલે મહારાણા સર્કલ પાસે મોતના કુવા સમાન બની ગયેલા રોડ અને ઉભરાતી ગટરની ગંભીર સમસ્યાને દિવ્યક્રાંતિ ન્યુઝ દ્વારા પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવી હતી. અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજે નગરપાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ઉભરાતી ગટરની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
સ્થાનિક લોકોમાં નગરપાલિકાની ઝડપી કામગીરીને લઈને સંતોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત હતી, પરંતુ મીડિયાએ મુદ્દાને ઉઠાવતા તંત્રએ ગંભીરતા દાખવી છે. જોકે, સ્થાનિકોનું માનવું છે કે માત્ર ગટરની કામગીરી પૂરતી નથી, પરંતુ જ્યાં સુધી રોડ સંપૂર્ણ રીતે ચાલવા યોગ્ય ન બને ત્યાં સુધી લોકોની મુશ્કેલી યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે મોરબી-1માંથી મોરબી-2 તરફ જતા હજારો વાહનોનો અંદાજે 85 ટકા ટ્રાફિક આ માર્ગ પરથી પસાર થાય છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા આ રસ્તાની હાલત છેલ્લા ઘણા દિવસોથી જોખમી બની ગઈ હતી, જેના કારણે અકસ્માતનો ભય સતત લોકોમાં રહ્યો હતો.
હવે લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે વરસાદી સીઝન પહેલા તંત્ર રોડની મરામત પણ ઝડપથી પૂર્ણ કરી માર્ગને કમ સે કમ સલામત રીતે ચાલવા યોગ્ય બનાવશે, જેથી કોઈ જાનહાની જેવી ગંભીર ઘટના સર્જાય નહીં.
દિવ્યક્રાંતિ ન્યુઝ સતત જનહિતના પ્રશ્નોને અવાજ આપતું રહ્યું છે અને આ ઘટનામાં પણ મીડિયા ના અસરકારક અહેવાલ બાદ લોકોને તાત્કાલિક સુવિધા મળવાની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
