ગઇકાલે આખો દિવસ વરસ્યા બાદ આજે સવારથી પણ સતત ચાલુ

દક્ષિણ ગુજરાતમાં સતત સટાસટી છતાં અન્ય ભાગોમાં નોંધપાત્ર વરસાદ નથી

ગુજરાતમાં સિઝનનો 28.78 ટકા વરસાદ વરસ્યો: દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 43.36 ટકા

રાજકોટ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ હોય તેમ એકધારા વરસાદનો દોર જારી જ રહ્યો છે. છેલ્લા 30 કલાકમાં 9 ઇંચ સુધીનો વરસાદ થયો છે. રાજ્યમાં આજે સવારે પુરા થયેલા 24 કલાક દરમિયાન 165 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ થયા બાદ આજે સવારે 6 થી 12ના છ કલાકમાં 65 તાલુકામાં ઝાપટાથી માંડીને 3 ઇંચ વરસાદ હતો. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં જ વરસાદનું જોર હતું.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવિસ કલાક દરમિયાન નવસારીમાં 132 મીમી પાણી વરસ્યા બાદ આજે સવારે છ કલાકમાં વધુ 68 મીમી પાણી પડતા કુલ 8 ઇંચ વરસાદ થયો હતો. જલાલપોરમાં સવાર સુધીમાં 155 મીમી બાદ વધુ 66 મીમી પાણી વરસતા 9 ઇંચ વરસાદ થયો હતો. ચીખલીમાં 146 મીમી બાદ વધુ 62 મીમી પાણી વરસ્યું હતું.

આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાકમાં સૌથી વધુ 208 મીમી વરસાદ વલસાડના પારડીમાં નોંધાયો હતો. નવસારીના જલાલપોરમાં 202 મીમી વરસાદ થયો હતો. ગણદેવીમાં સવાર સુધીમાં 128 મીમી બાદ આજે બપોર સુધીમાં વધુ 58 મીમી પાણી વરસ્યું હતું.

છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડના નાનાપોઢામાં 182 મીમી, ધરમપુરમાં 165 મીમી, વલસાડમાં 179 મીમી, વાપીમાં 182 મીમી, કપરાડામાં 117 મીમી વરસાદ હતો. ડાંગના આહવા તથા વધઇમાં 3-3 ઇંચથી વધુ વરસાદ હતો.

સુરત જિલ્લો મેઘરાજાના નિશાને હોય તેમ વરસાદની રેલમછેલ હતી. સુરતના પલસાણામાં 24 કલાકમાં 106 મીમી બાદ આજે સવારથી વધુ 60 મીમી વરસાદ ખાબક્યો હતો. બારડોલીમાં 30 કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ થયો હતો. અંબિકામાં પાંચ ઇંચ ઉપરાંત સુરત શહેરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.

તાપી જિલ્લામાં સાર્વત્રિક ત્રણ ઇંચ વરસાદ હતો. રાજ્યના મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ છુટો છવાયો વરસાદ હતો. જ્યારે ઉત્તર ગુજરાત મોટાભાગે કોરૂ જ રહ્યું હતું.

દરમિયાન સતાવાર રીપોર્ટ પ્રમાણે આજે સવારની સ્થિતિએ રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 28.78 ટકા થયો છે. રાજ્યમાં સરેરાશ 908.88 મીમી પાણી વરસતું હોય છે તેની સરખામણીએ 261.59 મીમી વરસાદ થયો છે. રાજ્યના ચાર તાલુકા હજુ સંપૂર્ણ કોરા છે જ્યારે 24 તાલુકામાં બે ઇંચ સુધી તથા 77 તાલુકામાં પાંચ ઇંચ સુધી વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની રેલમછેલ છતાં રાજ્યના અન્ય ભાગોમાં ખાસ નોંધપાત્ર વરસાદ થતો ન હોવાની ચિંતા વધી રહી છે. દક્ષિણ ગુજરાતમાં 43.36 ટકા વરસાદ થઇ ગયો છે તેની સામે સૌરાષ્ટ્ર ઝોનમાં 30.25 ટકા, મધ્ય ગુજરાતમાં 19.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.66 ટકા તથા કચ્છમાં 3.42 ટકા વરસાદ થયો છે.















