
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમની ભારત મુલાકાત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘PM મોદી કોઈના દબાણ સામે ઝૂકી જાય તેવા નેતા નથી.’ પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને ભારત બંને અમેરિકાના ટેરિફ અને આંતરરાષ્ટ્રીય દબાણોનો સામનો કરી રહ્યા છે.

પુતિને ભારતની અડગ નીતિની પ્રશંસા કરી
એક મીડિયા ઇન્ટરવ્યુમાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અંગેના સવાલના જવાબમાં રશિયાના પ્રમુખ પુતિને પીએમ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા નેતા નથી કે જે દબાણ સામે ઝૂકી જાય. દુનિયાએ ભારતની અડગ નીતિ જોઈ છે અને દેશને તેના નેતૃત્વ પર ગર્વ હોવો જોઈએ.’

ભારત-રશિયાના ગાઢ સંબંધો
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની આ મુલાકાત દરમિયાન અનેક મોટા કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, ત્યારે તેમણે બંને દેશો વચ્ચેના સહયોગની વ્યાપકતા પર ભાર મૂકતાં કહ્યું કે, ‘ભારત અને રશિયા વચ્ચે 90 ટકાથી વધુ દ્વિપક્ષીય વ્યવહારો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.’

આ ઉપરાંત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે ચર્ચા કરવા માટે ઘણું બધું છે, કારણ કે ભારત અને રશિયા વચ્ચે સહયોગનો વ્યાપ ખૂબ વ્યાપક છે. તેમણે બંને દેશો વચ્ચેના ખાસ ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો હતો અને સ્વતંત્રતા પછી માત્ર 77 વર્ષમાં ભારતે જે નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે, તેની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે, પુતિનનું આ નિવેદન ભારત-રશિયાના સંબંધોની મજબૂતી અને વૈશ્વિક રાજકારણમાં ભારતના વધતાં કદને દર્શાવે છે.

પુતિનની 10મી મુલાકાત
ઉલ્લેખનીય છે કે, પુતિનની આ ડિસેમ્બરની મુલાકાત ભારતની તેમની દસમી મુલાકાત હશે. આમાંથી ત્રણ મુલાકાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન (2016, 2018 અને 2021) થઈ હતી. વડાપ્રધાન મોદી પણ અત્યાર સુધીમાં સાત વખત રશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.




