ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઘરે ઘેર જઈને મતદાર યાદીની ચકાસણી કરવાની પહેલ શરૂ કર્યા બાદ અન્ય પાંચ રાજ્યોમાં પણ આવુ અભિયાન ચલાવશે. આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે પંચે બિહારની જેમ અન્ય પાંચ રાજ્યોમાં ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે.

આવતા વર્ષે પાંચ રાજ્યોમાં યોજાશે ચૂંટણી
બિહાર બાદ આવતા વર્ષે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી અને કેરાલામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે પાંચેય રાજ્યોની ચૂંટણીને ધ્યાને રાખી અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદારોએ ચકાસણી દરમિયાન જન્મ તારીખ અને જન્મ સ્થળ સંબંધિત દસ્તાવેજો સાથે ઘોષણાપત્ર પણ રજુ કરવાના રહેશે.

ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં મતદાર યાદી ચકાસણી ઝુંબેશ ચલાવશે
ચૂંટણી પંચે ઘરે ઘરે જઈને મતદાર યાદીના નામોની ચકાસણી કરવા માટેની ઝુંબેશ બિહારથી શરૂ કરી દીધી છે. અગાઉ અનેક વખત મતદાર યાદીમાં ગડબડી અને ખામી હોવાના આક્ષેપ થયા હતા, તેને ધ્યાને રાખી ચૂંટણી પંચે આ ઝૂંબેશ શરૂ કરી દીધી છે.

ઝુંબેશ હેઠળ બનાવટી મતદારોની પણ ઓળખ થઈ શકશે
ચૂંટણી પંચ ઝુંબેશ હેઠળ, તેવા લોકો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે, જેઓ બંગાળથી ઘૂસણખોરી કરી દેશમાં આવ્યા છે અને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાઈ ચૂક્યા છે. ચૂંટણી પંચનું માનીએ તો હવે આવા મતદારો પાસેથી જન્મ તારીખ અને જન્મ સ્થળ સંબંધીત દસ્તાવેજો મંગાશે. સાથે જ તેમના માતા-પિતાની અને તેઓ જે સ્થળે રહે છે, તેની પણ માહિતી એકઠી કરાશે. મતદારો પાસેથી મેળવેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ઓનલાઈન અપલોડ કરાશે.

























