ફોર વ્હીલર ધરાવનારા, જમીનદાર, સુખી સમૃધ્ધોને સસ્તા રાશનના લિસ્ટમાંથી હટાવવા તૈયારી


કેન્દ્ર સરકારે આવા શંકાસ્પદ `ગરીબ’ અમીરોનું લિસ્ટ બનાવી, રાજયોને મોકલી તેની તપાસ કરવા આદેશ આપ્યો : હિમાચલ સહિત દેશના તમામ રાજયો તપાસ કરાવી મફત – સસ્તા રાશનનો ખોટો લાભ લેતા કુપાત્રોને યાદીમાંથી દૂર કરાશે

ગરીબોના ભાગનું મફત રાશન લઈ જતા આર્થિક રીતે સધ્ધર લોકો પર સરકારે સકંજો કસ્યો છે. ગાડી, વધુ જમીન અને પાકુ મકાન ધરાવતા લોકો તેમજ 6 મહિનાથી રાશન ન લેનારા લોકોને સસ્તા રાશન (એનએફએસએ)ના લિસ્ટમાંથી કાઢવામાં આવશે. કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશ સહિત તમામ રાજયોને નિર્દેશ કર્યો છે. અને આવા શંકાસ્પદ લાભાર્થીઓનું લિસ્ટ મોકલી તેમને મફત સસ્તા રાશનની યાદીમાંથી હટાવવાનો પણ નિર્દેશ કર્યો છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખાદ્ય પુરવઠા વિભાગ ગ્રામીણ વિકાસ વિભાગને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. તપાસ બાદ તેનો રિપોર્ટ બનાવીને કેન્દ્રને મોકલવામાં આવશે, જો તપાસ દરમિયાન સંબંધિત લોકો પાસે ગાડી, વધુ જમીન, પાકું મકાન હોય કે 6 મહિનાથી વધુ સમયથી રાશન નથી લઈ રહ્યા તો તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ)માંથી બહાર કરી દેવામાં આવશે.

તેમાં ખાદ્ય પુરવઠા વિભાગને ચાર કેટેગરીની તપાસની જવાબદોરી સોંપાઈ છે. જેમાં 6 મહિનાથી રાશન ન લેનારા, બે જગ્યાએથી રાશન લઈ રહેલા લોકો, ફોર વ્હીલર રાખનારા અને ટેકસ આપનારાઓની યાદી આપી છે, જયારે ગ્રામીણ વિકાસ વિભાગને વધુ જમીન વાળા અને પાકા મકાન વાળાઓની યાદી સોંપાઈ છે. બન્ને વિભાગ તપાસ બાદ લિસ્ટ કેન્દ્રને મોકલશે. જેમાં અપાત્ર લોકોને બહાર કરી દેવામાં આવશે.

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) અંતર્ગત નિર્ધારિત પાત્રતા માપદંડોને સખત કરવા સંકેત આપ્યા છે. આ એટલા માટે પણ જરૂરી છે કે સરકારી સબસીડીનો લાભ એ લોકોને મળે, જેને તેની જરૂરત છે. હાલ ઘણા અપાત્ર લોકો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. જેમને હવે બહાર કરી દેવામાં આવશે.

હાલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષામાં ત્રણ કેટેગરીમાં રાશન આપવામાં આવે છે. પ્રાથમિકતા મુજબ ઘરેલુ (પીએચએચ), બીપીએલ અને અત્યોદય સામેલ છે. ઉલ્લેખનીય છે કે એકલા હિમાચલ પ્રદેશમા લગભગ 7 લાખ લોકો એનએફએસએ અંતર્ગત રાશન લઈ રહ્યા છે, જેમાં દર રેશન કાર્ડ દરેક સભ્યને બે કિલો ચોખા મફત, જયારે લોટ 1 રૂપિયા 20 પૈસે કિલો આપવામાં આવે છે.

રાશનકાર્ડમાં દરેક સભ્યને 2 કિલો 800 ગ્રામ લોટ આપવામાં આવે છે. આ ઉપરાંત ખાંડ 13 રૂપિયે કિલો, બધી ધાળ અને રિફાઈન્ડ તેલ એપીએલથી 10 રૂપિયા સસ્તુ આપવામાં આવે છે.

કેન્દ્ર સરકાર તરફથી એનએફએસએમાં સસ્તા રાશન લઈ રહેલાની કેટલીક શંકાસ્પદ કેટેગરીની લીસ્ટ આવી છે. હિમાચલના સોલોનમાં આ યાદીમાં લગભગ 35 હજાર લોકોના નામ છે. 6 મહિલાથી રાશન ન લેનારા, બે જગ્યાથી રાશન લેનારા, ફોર વ્હીલર ગાડી રાખનારા અને ટેકસ ભરનારાની ચાર કેટેગરીની તપાસ વિભાગ કરશે. તેમાં જે પણ અપાત્ર જણાશે, તેમની યાદી કેન્દ્રને મોકલવામાં આવશે.









