2035માં રાજ્યના 75 વર્ષ નિમિત્તે ખાસ આયોજન : શ્રેષ્ઠ ડિઝાઇનને રૂા. 3 લાખનો ખાસ પુરસ્કાર

આગામી 2035માં ગુજરાત તેની સ્થાપનાના 75 વર્ષ પૂરા કરવા જઇ રહ્યું છે તે સમયે ભુપેન્દ્રભાઇ પટેલે આજે ગુજરાત ’Gujarat@75’ સ્પર્ધા લોન્ચ કરી છે. તેઓએ આજે ખાસ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવનારા દાયકાના વિકાસકાર્યોનું આયોજન કરીને તે દિશામાં અત્યારથી જ કામ શરૂ થાય તેવું આહવાન કર્યું છે. આ આહવાનને ઝીલી લઈને રાજ્ય સરકાર આવનાર દાયકામાં પૂરી ઊર્જા સાથે વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરશે.

વીતેલા વર્ષોમાં ગુજરાતીઓએ પોતાની આગવી ઉદ્યોગસાહસિકતા અને વિકાસલક્ષી અભિગમથી રાજ્યને ભારતના ગ્રોથ એન્જિન તરીકેની ઓળખ અપાવી છે. વિકાસની સાથોસાથ ગુજરાતે પોતાની સમૃદ્ધ વિરાસતનું પણ કાળજીપૂર્વક જતન કર્યું છે.

હવે, આવનાર દાયકાના વિકાસની યાત્રા અંગે પણ સમાજમાં જનચેતના પ્રગટે.. નાગરિકો પૂરા ઉત્સાહથી આ વિકાસયાત્રામાં જોડાય તેવા આશય સાથે રાજ્ય સરકારે ’Gujarat@75’ ની થીમ પર રાષ્ટ્રીય સ્તરની લોગો કોમ્પિટિશનનું આયોજન કર્યું છે.

ગાંધીનગર ખાતેથી કોમ્પિટિશન લોન્ચ કરી
MyGov પોર્ટલ સાથે સહયોગમાં આયોજિત આ સ્પર્ધા અંતર્ગત, શ્રેષ્ઠ ડિઝાઇનને રૂપિયા 3 લાખનો પુરસ્કાર જીતવાની તક મળશે, તેમજ ટોપ-5 ડિઝાઈનર્સ સાથે હું વ્યક્તિગત મુલાકાત પણ કરીશ. તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું અને અનુરોધ કર્યો હતો કે અગાઉ પણ, ‘સ્વચ્છ ભારત મિશન’થી લઈને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ જેવા વિવિધ લોગો થકી જનમાનસમાં વિકાસની ચેતના પ્રગટાવવામાં ઘણી સફળતા મળી છે. ત્યારે ’Gujarat@75’ સ્પર્ધા અંતર્ગત દરેક ગુજરાતીને ગર્વ થાય અને વર્ષો સુધી યાદ રહે તેવો લોગો ડિઝાઇન કરવાની આ તક ચોક્કસ ઝડપી લેશો.



























