
ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદ, તોફાની દરિયો અને માછીમારો માટેની ચેતવણી સહિત અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે

- બે-ત્રણ દિવસથી ચોમાસાએ સારી જમાવટ
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસાએ સારી જમાવટ કરી છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. 2 જુલાઈ 2026ના રોજ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

- હળવોથી મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, વાવ-થરાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 3 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધુ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, વાવ-થરાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

- છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે વરસાદની શક્યતા
શહેરોના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના છે. રાજકોટમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. સુરતમાં આજે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધી ગયું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, સમગ્ર દમણ તેમજ દીવ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધી ગયું છે. ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, સમગ્ર જમ્મુ-કાશ્મીર તેમજ હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય બન્યું છે. ગુજરાતમાં ચોમાસું હાલમાં પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, શાજાપુર, નૌગાંવ, મિર્ઝાપુર, આઝમગઢ, અયોધ્યા, બુદૌન, મેરઠ, કરનાલ અને ગુરદાસપુરમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધવાની શક્યતા છે.


મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી
વરસાદની સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, સુરત અને વલસાડના દરિયાકાંઠે ઊંચા અને તોફાની મોજાં ઉછળવાની શક્યતા હોવાથી હાઇવેવ અને સ્વેલ સર્જ વોચ જાહેર કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. દરિયો આગામી દિવસોમાં ખૂબ જ તોફાની રહેવાની સંભાવના હોવાથી દરિયાકાંઠે બિનજરૂરી અવરજવર ટાળવાની સૂચના આપવામાં આવી છે.

વિસ્તારોમાં 5 જુલાઈ સુધી 40થી 50 કિમી પ્રતિ કલાક
માછીમારો માટે પણ હવામાન વિભાગે ખાસ ચેતવણી જાહેર કરી છે. જખૌ, માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, બંદર વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ અને મગદલ્લા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 જુલાઈ સુધી 40થી 50 કિમી પ્રતિ કલાક અને કેટલાક સમયે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તોફાની હવામાન અને ઊંચા મોજાંને ધ્યાનમાં રાખીને તમામ માછીમારોને આગામી 5 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.





















