
ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત્ રહેશે અને અનેક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સર્જાશે. મોરબી સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

અમદાવાદ શહેર સૌથી ગરમ
હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, અમદાવાદમાં 44.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત કંડલા ઍરપૉર્ટ પર પણ 44.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમીનો અહેસાસ થયો હતો. આજે (27મી એપ્રિલ) પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેને પગલે નાગરિકોને ભારે બફારા અને લૂનો સામનો કરવો પડશે.

આ જિલ્લાઓમાં હીટવેવ અને યલો ઍલર્ટ
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ખાસ કરીને મોરબી, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. ગરમીને પગલે આવતીકાલે (28મી એપ્રિલ) કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો ઍલર્ટ સાથે હીટવેવની આગાહી હોવાથી લોકોને બપોરના સમયે બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

3 દિવસ પછી મળશે આંશિક રાહત

ગરમીના આ પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર પણ આપ્યા છે. જોકે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે, 3 દિવસના કાળઝાળ બપોર બાદ નાગરિકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અને સુતરાઉ કપડાં પહેરવા જેવી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.























