HomeAllહવેથી દરેક સ્માર્ટફોનમાં પહેલેથી જ ઈન્સ્ટોલ રહેશે સરકારની આ એપ, યુઝર્સ નહીં...

હવેથી દરેક સ્માર્ટફોનમાં પહેલેથી જ ઈન્સ્ટોલ રહેશે સરકારની આ એપ, યુઝર્સ નહીં કરી શકે ડિલીટ

ભારત સરકારે દેશના ટેલિકોમ અને ડિજિટલ સુરક્ષા ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે. ટેલિકોમ મંત્રાલયે મોબાઇલ ઉત્પાદક કંપનીઓને ખાનગીમાં સૂચના આપી છે કે તમામ નવા સ્માર્ટફોન પર કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત સાયબર સુરક્ષા એપ્લિકેશન ‘સંચાર સાથી’ પૂર્વ-સ્થાપિત (પ્રીલોડ) કરવામાં આવે. યુઝર્સ આ એપને ડિલીટ કરી શકશે નહીં. સરકારના આ નિર્ણયની અસર લોકોની પ્રાઇવસી પર પડશે. એપલ અને સેમસંગ જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ માટે પણ પડકારો ઊભા થશે. તો સમજીએ આ સમગ્ર મુદ્દો.  

સરકારી એપ ફરજિયાત પ્રિ-ઈન્સ્ટોલ શા માટે?

આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સાયબર ગુના અને હેકિંગનાં બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે એ પડકારને ધ્યાનમાં રાખીને ભારત આ દિશામાં પગલું ભરી રહ્યું છે. ભારતનું ધ્યેય ચોરાયેલા ફોનના દુરુપયોગને અટકાવવું, નકલી IMEI (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબરોના ગેરકાયદે ઉપયોગને રોકવાનું તેમજ નાગરિકોને એક વિશ્વસનીય સરકારી સુરક્ષા સેવા પ્રદાન કરવાનું છે. રશિયામાં પણ ફરજિયાત સરકારી મેસેન્જર એપ્લિકેશન્સને પ્રિ-ઈન્સ્ટોલ કરવાના નિયમો લાગુ કરાયા છે.

દેશવ્યાપી સુરક્ષાનું અસરકારક સાધન છે ‘સંચાર સાથી’

સરકારની દલીલ છે કે ‘સંચાર સાથી’ એપ્લિકેશન સાયબર ગુના અને ટેલિકોમ છેતરપિંડીનો મુકાબલો કરવા માટે એક જરૂરી સાધન છે. આ એપ કેન્દ્રીય ડેટાબેઝનો ઉપયોગ કરીને ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને તમામ નેટવર્ક પર બ્લૉક અને ટ્રેક કરવામાં મદદ કરે છે. જાન્યુઆરીમાં લોન્ચ થયા પછી આ એપને 7 લાખથી વધુ ફોનને પુનઃપ્રાપ્ત કરવામાં અને 3 કરોડથી વધુ બનાવટી કનેક્શનને બંધ કરવામાં સફળતા મેળવી છે. આ એપ ફોનની આગવી ઓળખ એવા ‘IMEI નંબર’ની નકલ કરવાની ઘટનાઓને રોકવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

મોબાઇલ ઉત્પાદક કંપનીઓને શું સૂચના અપાઈ છે?

મંત્રાલય દ્વારા 28 નવેમ્બરના રોજ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ નીચે મુજબની સૂચનાઓ અપાઈ છે.

– આગામી 90 દિવસમાં ‘સંચાર સાથી’ (Sanchar Saathi) એપ તમામ નવા મોબાઇલ ફોનમાં પ્રિ-ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે. 

– જે મોબાઇલ ગ્રાહકો દ્વારા ખરીદીને ઉપયોગમાં છે, એ તમામમાં પણ કંપનીઓએ સોફ્ટવેર અપડેટ્સ દ્વારા આ એપ પહોંચાડી દેવાની રહેશે.

આ સૂચના હજી સુધી સત્તાવાર રીતે જાહેર નથી કરાઈ, પરંતુ સંબંધિત કંપનીઓને અપાઈ છે.

ગ્રાહકની પ્રાઇવસીના અધિકારનો ભંગ

પ્રાઇવસીના હિમાયતીઓ અને વ્યક્તિગત ડિજિટલ અધિકારની તરફેણ કરનારા ભારત સરકારના આ પગલાંની ટીકા કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે, આ રીતે કોઈ એપ ફરજિયાત ઇન્સ્ટોલ કરવું એ યુઝર્સની સંમતિ અને પસંદગીના અધિકારને હાનિ પહોંચાડે છે. સાયબર ક્રાઇમ અટકાવવા માટે લેવાયેલું આ પગલું યુઝર્સનો અંગત ડેટા ન મેળવી લે એની શું ગેરંટી?

‘એપલ’ માટે વિશેષ પડકાર સર્જાશે

આ આદેશથી ભારતીય બજારમાં કાર્યરત તમામ પ્રમુખ સ્માર્ટફોન બ્રાન્ડ્સ પ્રભાવિત થશે. એપલ, સેમસંગ, વિવો, ઓપ્પો અને શાઓમી જેવા મોબાઇલ-વિશ્વની દિગ્ગજ કંપનીઓ પર આ નિયમ લાગુ પડશે. એપલ કંપનીની નીતિ કોઈપણ સરકારી કે થર્ડ-પાર્ટી એપ્લિકેશનને તેના ડિવાઇસ પર ફરજિયાત રીતે પ્રિ-ઇન્સ્ટોલનો વિરોધ કરવાની રહી છે. તેથી ભારત સરકારનો આ નિર્ણય એપલ માટે એક મોટો નીતિગત પડકાર ઊભો કરી શકે છે.

કંપનીઓ વિરોધ કરશે કે પછી મધ્ય માર્ગ અપનાવશે?

ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે એપલ જેવી કંપનીઓ આ નિયમનો કડક વિરોધ કરી શકે છે. જો કે, સરકારી માંગને સદંતર નકારી કાઢીને વ્યાવસાયિક જોખમ વહોરી લેવાને બદલે એપલ સમાધાનકારી માર્ગ અપનાવી શકે છે. એક શક્ય સમાધાન એ હોઈ શકે છે કે ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલને બદલે યુઝર્સને ફોનના સેટઅપ દરમિયાન એપ ઇન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો વિકલ્પ અપાય. આગામી સમયમાં સરકાર અને ટેક કંપનીઓ વચ્ચે આ મુદ્દે વાટાઘાટો થઈ શકે એમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!