
મધ્ય પૂર્વના યુધ્ધની અસરથી સર્જાયેલા પેટ્રોલીયમ સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 3-3 રૂપિયાનો ભાવવધારો જાહેર કરાયો છે. છેલ્લા દિવસોમાં મોંઘવારીના એક પછી એક ડામ આપવાનું શરુ થયું હોય તેમ હવે ગુજરાતમાં પણ સીએનજી મોંઘો થયો છે.

આવતા દિવસોમાં પેટ્રોલીયમ ચીજોમાં વધુ ભાવવધારાની આશંકા ઉભી જ છે જ્યારે મોંઘવારી મોરચે સરકાર અને નાગરિકોને બન્ને માટે મોટો પડકાર ઉભો થઇ શકે છે. ભારતમાં પેટ્રોલીયમ કંપનીઓએ ગઇકાલે જ પેટ્રોલ-ડિઝલ મોંઘા કર્યા હતા. દિલ્હી-મુંબઇમાં સીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે.

રાજ્યોમાં અલગ-અલગ સીએનજી કંપનીઓ હોવાથી સ્વતંત્ર નિર્ણય થતાં હોય છે. આખા દેશમાં સમાન ધોરણે લાગૂ થતાં નથી. હવે ગુજરાતમાં પણ સીએનજી મોંઘો કરાયો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિકિલો રૂા.2.24નો ભાવવધારો ઝીંકાતા નવો ભાવ 86.15 પર પહોંચ્યો છે. કંપનીએ આ પૂર્વે ગત એપ્રિલમાં 1.50નો ભાવ વધારો ઝીંક્યો હતો. સૌરાષ્ટ્રમાં ગેસ સપ્લાય કરતી કંપની ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીમાં 2.75નો ભાવવધારો ઝીંકાતા નવો ભાવ 83.01 થયો છે.

આ ભાવ વધારાથી સીએનજીથી દોડતા વાહનો-રીક્ષા ચાલકો પર બોજ પડશે. રીક્ષા ચાલકો પણ ભાડા વધારો કરે તેવી શક્યતાને પગલે નાગરિકો પર બોજ પડશે. દરમિયાન જાણકારોના કહેવા પ્રમાણે પેટ્રો-ડીઝલમાં 3-3 રૂપિયાનો ભાવવધારો કર્યો હોવા છતાં પેટ્રોલીયમ કંપનીઓની ખોટ જંગી જ બની રહે તેમ છે. ફેબ્રુઆરીના અંતે ઇરાન યુધ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતમાં પણ 50 ટકાનો વધારો છે. માર્કેટીંગ કંપનીઓને મોટું નુકશાન છે.

એક વધારાથી નુકશાની સરભર થઇ શકે તેમ નથી. આવતા દિવસોમાં હજુ ભાવવધારો થવાના ભણકારા છે. પેટ્રોલીયમ કંપનીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે 3-3 રુપિયાનો ભાવવધારો કરવા છતાં કંપનીઓને હજુ પેટ્રોલ પર પ્રતિ લીટર રૂા.11 તથા ડિઝલ પર રૂા.39ની ખોટ થઇ રહી છે. પેટ્રોલીયમ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે વિશ્વ બજારમાં ક્રૂડતેલ-એલએનજીની કિંમત હજુ ઉંચી જ રહેવાના સંજોગોમાં તેલ કંપનીઓ પર દબાણ બની રહેશે. વિદેશી હુંડિયામણ પર પણ બોજ પડી શકે છે.

સતત ત્રીજા વર્ષે ચાલુ ખાતાની ખાદ્યમાં વધારો થવાની શક્યતા છે. પેટ્રોલીયમ નિકાસ પર વિન્ડફોલ ટેકસ ઝીંકયો સ્થાનિક ભાવને કોઇ અસર નહીં થાય કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર 3ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે વિન્ડફોલ ટેક્સ લગાવી દીધો છે.

જ્યારે બીજી તરફ, નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ પરના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરનામા અનુસાર, આ નવી દરો આજથી એટલે કે 16 મે 2026થી અમલમાં આવી ગયા છે. સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી 23 પ્રતિ લિટરથી ઘટાડીને 16.5 કરવામાં આવી છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ડ્યુટી 33થી ઘટાડીને 16 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસને શૂન્ય રાખવામાં આવ્યો છે. ભારતના સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની સ્થાનિક બજાર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. દેશમાં સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેથી દેશની અંદર છૂટક કિંમતો વધશે નહીં અને સામાન્ય માણસનું બજેટ ખોરવાશે નહીં.





















