
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં લોકોને હજુ આવતા પાંચ દિવસ સુધી આકરો તાપ અને લૂંનો સામનો કરવો પડશે. પરંતુ તા.30 થી 31 વચ્ચે હવામાન બદલાશે અને રાજ્યભરનાં વિસ્તારોમાં પ્રિમોન્શુન એક્ટીવીટી છવાઇ જશે આથી તા.30,31થી રાજ્યમાં ઠેર ઠેર ઝડપી પવન સાથે પ્રિમોન્શુનનો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

જ્યારે તા.2 જુન આસપાસ સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં પણ ગાજવિજ સાથે વરસાદ પડી શકે છે. જો કે હવામાન વિભાગ અનુસાર હજુ આવતા પાંચ દિવસો રાજ્યમાં બપોરના ભાગે આકરો તાપ અને લૂ યથાવત રહેશે. રાજકોટ, અમરેલી, અમદાવાદ તથા સુરેન્દ્રનગરમાં 42થી 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં કાંઠાળ વિસ્તારોમાં પ્રિમોન્સુનનો પ્રારંભિક ગાળો શરુ થઇ ગયો છે. આથી હવામાં ભેજ વધવા સાથે સવારથી જ ઉંચા તાપમાન સાથે બફારો વર્તાવા લાગ્યો છે. પરંતુ તા.30 થી 31 દરમિયાન પ્રિમોન્સુન એક્ટીવીટી સંપૂર્ણ કાર્યરત થઇ જતાં હવામાન પલ્ટો સર્જાશે અને બફારો વધવા સાથે ઝડપી પવન સાથે છૂટો છવાયો વરસાદ શરુ થઇ જશે.

દરમિયાન આજરોજ સવારમાં જ રાજકોટનું તાપમાન 30.4 ડીગ્રી થઇ જવા સાથે હવામાં ભેજ વધતાં ભારે બફારાનો અનુભવ થયો હતો. સ્થાનિક હવામાન કચેરી અનુસાર સવારે 8-30 કલાકે રાજકોટનું તાપમાન 30.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 26.3 ડીગ્રી નોંધાયું હતું તથા હવામાં ભેજ 69 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 12 કી.મી. રહેવા પામી હતી.

જ્યારે આજે બપોરે 2-30 કલાકે શહેરનું તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજ 31 ટકા રહ્યો હતો તેમજ પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
























