જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.14 જુન સુધીની આગાહી : પ્રિ-મોન્સુન ગતિવિધિ હેઠળ કયાંક – કયાંક છુટોછવાયો વરસાદ થશે
ભારતમાં કેરળ-મહારાષ્ટ્ર સુધીનાં ભાગોમાં એકાદ-બે સપ્તાહ વ્હેલુ આવી ગયેલુ ચોમાસું હવે છેલ્લા 10 દિવસથી સ્થગીત છે અને હજુ આવતા એક સપ્તાહ સુધી તે ગુજરાતમાં એન્ટ્રી લ્યે તેવી સંભાવના ન હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.જોકે, આ દરમ્યાન પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ રહેશે અને મધ્ય જુન આસપાસ એકાદ-બે સાનુકુળ પરિબળો પણ સર્જાવાની સંભાવના છે.

તેઓએ આજે જણાવ્યું હતું કે ચોમાસાની પશ્ચિમી પાંખ 26 મે અર્થાત 12 દિવસથી સ્થગીત છે. જયારે પૂર્વીય પાંખ 29 મે અર્થાત 9 દિવસથી સ્થગીત છે.ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી હાલ દરીયાઈ સપાટી દબાણ (એમએસએલપી) 1006 થી 1008 મીલીબર છે.જે પ્રમાણમાં ઊંચુ

છે આ સ્તર 1000 થી 1002 મીલીબર હોય ત્યારે વરસાદની સંભાવના વધી જાય છે.
ગુજરાતને જ અસરકર્તા અન્ય એક પરિબળ પર નજર કરવામાં આવે તો જયાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યાં પુર્વીય પવનો છે. ચોમાસાનો પ્રવેશ બાકી છે તેવા ઉતરના ભાગોમાં પશ્ચિમી પવન છે.પરંતુ ગુજરાતમાં પવન અસ્થિર છે અને કોઈ નિશ્ચિત દિશાનાં નથી તે પણ પ્રતિકૂળ પરિબળ છે.

ચોમાસું રેખા હાલ મુંબઈ, અહીલ્યાનગર, આદિલાબાદ, ભવનપાટણા, સેન્ડ હેડ, આઈલેન્ડ, તથા બાલુરવાટમાંથી પસાર થાય છે. ઉતર પશ્ચિમ રાજસ્થાન તથા આસપાસમાં 0.9 કીમીની ઉંચાઈએ અપર એરસાયકલોનીક સરકયુલેશન છે.ઉતર પશ્ચિમ ઉતર પ્રદેશમાં પણ એક અપર એરસાયકલોનીક સરકયુશન છે.વધુ એક યુએસી ઉતરપુર્વ, મધ્યપ્રદેશ પર 1.5 કી.મી. સુધીના સ્તરે છે.

એક ટ્રફ લાઈન વિદર્ભથી ઉતર આંતરિક કર્ણાટક સુધી 1.5 કી.મી.ની ઉંચાઈએ છે. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડલેવલ ચેક્ષીસ તરીકે 5.8 કી.મી.ની ઉંચાઈએ યથાવત છે જેની લંબાઈ 59 ડીગ્રી પુર્વ અને અક્ષાંશ 27 ડીગ્રી ઉતરથી ઉતરે ચાલે છે.

તાપમાનને લાગેવળગે છે ત્યાં સુધી મોટાભાગના વિસ્તારોમાં તે નોર્મલ સ્તરે હતું. હવે નોર્મલ તાપમાન 40થી41 ડીગ્રી ગણાય છે. વાદળો હોય ત્યાં મહતમ તાપમાન નીચુ નોંધાતુ હોવાથી મોટુ વેરીએશન રહે છે.

ગઈકાલે રાજકોટમાં તાપમાન 41 ડીગ્રી હતું તે નોર્મલ કરતા એક ડીગ્રી વધુ હતું. ભુજમાં પણ 39.6 ડીગ્રી તાપમાન નોર્મલ કરતા એક ડીગ્રી વધુ હતું. અમરેલીમાં 40.3 ડીગ્રી ડીસામાં 40.4 ડીગ્રી, અમદાવાદમાં 40.6 ડીગ્રીએ નોર્મલ હતું.

તા.14 જૂન સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે આ દરમ્યાન ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના ઓછી છે. આ દરમ્યાન પ્રિ-મોનસુન એક ટીપીટી ચાલુ રહેશે અને કયાંક-કયાંક છુટોછવાયો વરસાદ થશે.

પવનની ઝડપ હાલ 12થી25 કી.મી. (ઝાટકાના પવન) 25થી35 કી.મી. છે તે 12થી14 જૂનમાં વધીને 20થી30 કી.મી. (ઝાટકાના 30થી40 કી.મી.) થશે. આકાશમાં આંશિક વાદળો થશે. તાપમાનમાં વેરીએશન રહેશે.

તેઓએ એવો નિર્દેશ કર્યો હતો કે આગાહી દરમ્યાન ગુજરાતમાં દરિયાઈ દબાણ ઘટીને 1000થી1002 મીલીબાર સુધી આવી જશે તે સાનુકુળ હશે. ઉપરાંત દક્ષિણ ભારતમાં બ્હોળુ સરકયુલેશન સર્જાવાની શકયતા છે.



















