HomeAllમોરબી : આગામી ૨૮ જૂને જિલ્લાના ૧.૨૫ લાખ બાળકોને અપાશે પલ્સ પોલિયોના...

મોરબી : આગામી ૨૮ જૂને જિલ્લાના ૧.૨૫ લાખ બાળકોને અપાશે પલ્સ પોલિયોના ટીપાં

આયુષ્માન યોજના, રસીકરણ અને લેપ્રસી અભિયાનની સમીક્ષા બેઠકમાં કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરેનું માર્ગદર્શન

મોરબી, તા. ૦૯ : મોરબી જિલ્લાના નાગરિકોને સુદ્રઢ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સુલભ બને તે હેતુસર જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.

બેઠક દરમિયાન યોજાયેલી ડી.જી.આર.સી. (DGRC) મીટિંગમાં ‘PM-JAY આયુષ્માન યોજના’ હેઠળ જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો લાવવા માટે તેના મૂળભૂત કારણોની ઝીણવટભરી ચર્ચા કરી કલેક્ટરશ્રીએ તબીબી તંત્રને વધુ સંવેદનશીલતા અને ગંભીરતાથી કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત ડી.ટી.એફ.આઈ. (DTFI) બેઠકમાં બાળકોના નિયમિત રસીકરણ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી તા. ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ યોજાનારા ‘નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે’ અંતર્ગત પલ્સ પોલિયો અભિયાન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના તમામ વિસ્તારોમાં ૦ થી ૫ વર્ષના અંદાજિત ૧,૨૫,૦૦૦ બાળકોને પોલિયો વિરોધી રક્ષણાત્મક ટીપાં પીવડાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.

બેઠકના અંતે એલ.સી.ડી.સી. (LCDC) કમિટીની બેઠકમાં ગત તા. ૦૮ જૂનથી શરૂ થયેલા અને આગામી તા. ૧૮ જૂન સુધી ચાલનારા ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન’ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સમાજમાંથી લેપ્રસીના શંકાસ્પદ દર્દીઓનું વહેલાસર નિદાન કરી યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવી અત્યંત જરૂરી છે, જેથી આ રોગનું જડમૂળથી નિર્મૂલન શક્ય બને.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.વી. શ્રીવાસ્તવ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments