
મોરબી, તા. ૨૭ મે : ભારત સરકાર દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને સર્વાંગી વિકાસના હેતુથી હાથ ધરવામાં આવેલી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ના પ્રથમ તબક્કા અંતર્ગત મોરબી જિલ્લામાં વ્યાપક પ્રચાર-પ્રસાર અભિયાન ચાલી રહ્યું છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનને વધુ વેગ આપવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલે વસ્તી ગણતરીના સત્તાવાર ડિજિટલ પોર્ટલ પર પોતાની તથા પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, કોઈપણ દેશ કે જિલ્લાના આંતરિક વિકાસ, કાયદો-વ્યવસ્થાની સુદ્રઢતા તેમજ ભવિષ્યની જનસુખાકારી માટે વસ્તી ગણતરીના સચોટ આંકડા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આંકડાકીય માહિતીના આધારે સુરક્ષા વ્યવસ્થા, સરકારી સંસાધનોની યોગ્ય ફાળવણી તથા વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનું આયોજન કરવામાં આવે છે. તેથી દરેક નાગરિક માટે આ પ્રક્રિયામાં સહભાગી થવું રાષ્ટ્રીય અને સામાજિક જવાબદારી સમાન છે.

હાલ ‘હાઉસ લિસ્ટીંગ ઓપરેશન’ અંતર્ગત ઘર યાદી અને મકાનોની ગણતરીની કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે સરકારશ્રી દ્વારા ઓનલાઈન ‘સેલ્ફ એન્યુમેરેશન’ની સુવિધા શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના નાગરિકો ગણતરીદારોની મુલાકાત પહેલાં જ સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈ પોતાની અને પરિવારની વિગતો સરળતાથી ઓનલાઈન નોંધાવી શકે છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને કોઈપણ પ્રકારની અફવા કે દ્વિધામાં ન આવવા તેમજ સમયમર્યાદામાં સુરક્ષિત ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં સહભાગી બનવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.

























