
મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી કરનાર 44 નવનિયુક્ત સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં સરકાર દ્વારા કુલ 46 શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી 44 શિક્ષકો સમયસર હાજર થયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ તમામ શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ એમ. મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સંબોધતા જણાવ્યું કે તેઓ પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને નોકરીના પ્રથમ દિવસથી લઈને નિવૃત્તિના દિવસ સુધી સતત શીખતા રહે અને વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે શાળાઓને “નંદનવન” બનાવે.

આ પ્રસંગે મોરબી જિલ્લા સરકારી શિક્ષક સંઘના પ્રમુખ મેહુલભાઈ દેથરીયા અને મહામંત્રી હર્ષદભાઈ બોડા હાજર રહ્યા હતા. તેમણે સંઘ વતી નવનિયુક્ત શિક્ષકોને યાદગીરી સ્વરૂપે બોલપેન ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.


























