મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ

શનાળા, સામાકાંઠે, ગાજપર, લાલપર, મહેન્દ્રનગર, વીરપર, લજાઇના મુસાફરોને ભારે હાલાકી

મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવામાં આવે તેવી અહીંના સામાજીક કાર્યકરોએ માંગ કરેલ છે.વધુમાં તેઓએ જણાવેલ છેકે, અગાઉ નગરપાલીકા કાર્યરત હતી.

ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ તેમજ સીટી વિસ્તાર માટે બસ સેવા સુચારૂ રીતે ચાલતી હતી. પરંતુ વર્ષ 2025 માં મોરબીને મહાનગરપાલીકાનો દરજજો મળ્યા ત્યાર બાદ આજ સુધી આ બસ સેવા સંપુર્ણપણે બંધ છે ! (રીવર્સ ગીયર ?) જેના કારણે આજુબાજુના ગામડાઓ જેમ કે શનાળા, સામાકાંઠે ત્રાજપર, લાલપર, મહેન્દ્રનગર, વીરપર, લજાઈ, રવાપર, ઘુનડા, વાવડી સહિતના લોકો જેમા ખાસ કરીને વિદ્યાર્થીઓ, રોજગાર માટે આવતા કર્મચારીઓ તથા વડીલ નાગરીકોને શહેર સુધી પહોંચવામાં ભારે તકલીફો ભોગવવી પડે છે.તહેવારોના સમયગાળા દરમ્યાન તો આ તકલીફો અત્યંત વધી જાય છે.

હાલ મોરબી મહાનગરપાલીકા પાસે ત્રણ જાહેર બસો ઉપલબ્ધ છે.તેમ છતાં તેમાંથી કોઇપણ બસ સેવા હાલ પ્રજાને મળતી નથી.તેમજ મોરબીમાં સીટી બસ માટે બસસ્ટેન્ડ બનાવવામાં આવે તેવી પણ માંગણી ઉઠી રહી છે.મહા પાલીકા બન્યાને ઘણો સમય થયો તેમ છતાં મોરબીમાં હજુસુધી કોઈ જાતની જાહેર પ્રાથમીક સુવિધાઓ ઉપલબ્ધ નથી.આના કરતા તો નગરપાલીકા સારી હતી.

મહાનગરપાલીકા થતા લોકો માથે ઓઢીને રોવે છે.મહાનગરપાલીકાની ઓફીસ પણ નવી બનેલ નથી.તો તાત્કાલીક નવી ઓફીસ પણ બનાવવી જોઇએ. કર્મચારીઓની ઓફીસ ખંઢેર હાલતમાં હોય છે.

જો કમિશ્નરની ઓફીસ એસ.સી. વાળી બનાવામાં આવેલ છે તો કર્મચારીઓ માટે કેમ નહીં ? આમ તાત્કાલીક ઓફીસ બનાવવામાં આવે તેમજ નવી સીટી બસો તાત્કાલીક ચાલુ કરાવામાં આવે તેવી અહીંના સામાજીક કાર્યકરો રીજુભાઇ દવે, ગીરીશભાઇ કોટેચા તેમજ જગદીશભાઇ બાંભણીયાએ લોકો વતી માંગ કરેલ છે.

સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે
મોરબીમાં હાલમાં સીટી બસ ન હોવાના લીધે રીક્ષાઓનો ભારે જમાવડો જોવા મળે છે.જરૂરિયાત કરતા ખૂબ મોટી સંખ્યામાં રીક્ષાઓ શહેરમાં ફરતી હોય તેવું જોવા મળે છે.

મોટાભાગના મુખ્ય રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રીતે રીક્ષા સ્ટેન્ડ જામી ગયા છે અને અનેક શોપિંગ સેન્ટરો તથા દુકાનધારકોને અગવડ અડચણ પડે તે રીતે ત્યાં ગેરકાયદેસર રિક્ષા સ્ટેન્ડ જોવા મળી રહ્યા છે.જેના ઉપર ક્યાંકને ક્યાંક ટ્રાફિક પોલીસનું કુણુ વલણ જોવા મળી રહ્યું છે.

error: Content is protected !!