
મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા યુવાને 30 ટકાના તોતિંગ વ્યાજે રૂપિયા લીધેલ હતા જે મુદ્દલ રકમ પરત આપી દીધી હતી તેમ છતાં યુવાને આપેલા સહિ કરેલ બે ચેક પૈકીનો એક ચેક યુવાનની જાણ બહાર બીજ શખ્સને આપી દેવામાં આવેલ હતો અને ત્યાર બાદ યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને 30 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મકનસર ગામે આવેલ ગોકુળનગર સ્વામીના મંદિરની પાછળની શેરીમાં રહેતા અમિતભાઈ વિનોદભાઈ વાડોલીયા (26)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપ ઉર્ફે ભગવાનજી વાલજીભાઈ આલ રહે. ગોકુલનગર મકનસર તથા ઇમરાન અને ઇમરાનની સાથે આવેલ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે.

કે તેણે દિલીપ પાસેથી અગાઉ 30 ટકા વ્યાજ લેખે અઢી લાખ રૂપિયા લીધા હતા જે મુદ્દલ રકમ પરત ચૂકવી દીધી હતી તેમ છતાં પણ દિલીપે ફરિયાદી પાસેથી જે તે વખતે તેની સહીવાળા બે ચેક લીધેલ હતા તે પૈકીનો એક ચેક દિલીપભાઇએ ફરિયાદીની જાણ બહાર આરોપી ઇમરાનભાઈને આપી દીધો હતો અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ છે.

ત્યારબાદ ઇમરાનભાઈ અને અન્ય ત્રણ શખ્સોએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને 30 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી જેથી યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


























