
મોરબીમાં મણિમંદિર પાસે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ હટાવતાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે, પોલીસની સમજાવટથી ટોળા છૂટા પડ્યા છે, ગુજરાત હાઈકોર્ટના આદેશથી કાર્યવાહી કરાઈ છે
શહેરમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ હટાવવા માટે હાથ ધરાયેલી તંત્રની કામગીરી દરમિયાન હાલ તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મોરબી શહેરના પ્રખ્યાત હેરિટેજ સ્થળ મણિમંદિર પાસે આવેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા 10 JCBની મદદથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, દરમિયાન મણિમંદિર પાસે સ્થિત ધાર્મિક બાંધકામ પર આજે મંગળવારે બુલડોઝર ફરી વળ્યા છે. માત્ર અઢી કલાકની કામગીરીમાં આ આખું ધાર્મિક બાંધકામ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. ત્યારે કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે.

વિગતવાર વાત કરીએ તો, મોરબી શહેરમાં પ્રખ્યાત હેરિટેજ સ્થળ મણિમંદિર પાસે આવેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. જેને અનુસરતા મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ આજે અહીં મણિમંદિર પાસેના વિસ્તારમાં મેગા ડિમોલેશન માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે અહીં સ્થિત વર્ષો જૂના ધાર્મિક બાંધકામ પર આજે મંગળવારે બુલડોઝર ફરી વળતા શહેરમાં તંગદિલી સર્જાઈ છે.

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સ્થાનિક વહીવટી તંત્રએ આ કામગીરી હાથ ધરી હતી, જે માટે 10થી વધુ જેસીબી મશીન, 2 હિટાચી અને 10થી વધુ ડમ્પરોની મદદ લેવામાં આવી હતી, સાથે જ ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે ડિમોલેશનની કામગીરી દરમિયાન વર્ષો જૂના આ ધાર્મિક બાંધકામને તોડી પડાયું છે, જેના કારણે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા, જોકે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ રાખવા પહેલેથી જ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે.

મોરબી શહેરના મણિમંદિર વિસ્તારમાં ચાલી રહેલી આ ડિમોલેશનની કામગીરી માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ દળને બોલાવવામાં આવી છે. આટલું જ નહીં 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને લગભગ 1000 જેટલા પોલીસ જવાનોનો ચૂસ્ત કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી આ કાર્યવાહી હાથ ધરાઈ છે, સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરા દ્વારા પણ સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.





