

મોરબી શહેરમાં પાણી પ્રશ્નને લઈને આજે સાંજે મહેન્દ્રનગર ચોકડી ખાતે અનોખી પરિસ્થિતિ ઊભી થઈ હતી. કાંતિજ્યોત સોસાયટીના રહીશોએ પાણીની અછત મુદ્દે ચક્કાજામ કરીને તંત્રનું ધ્યાન ખેંચાવ્યું હતું. આ ચક્કાજામ દોઢેક કલાક સુધી ચાલ્યો હતો. મહાપાલિકા દ્વારા લેખિત બાહેંધરી આપવામાં આવતા અંતે રહીશો શાંત થયા અને ચક્કાજામ હટાવ્યો હતો.

પરંતુ થોડા જ કલાકોમાં ફરીથી આ જ સ્થળે નિલકંઠ સોસાયટીના રહીશોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. પાણી વિતરણની અનિયમિતતા, અધૂરું ઓવરબ્રિજ તથા સર્વિસ રોડના પ્રશ્નોને લઈને સ્થાનિકોએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ચક્કાજામ પણ લગભગ એક કલાક સુધી ચાલ્યો હતો.

સ્થળ પર તરત જ પોલીસ અને મહાપાલિકાની ટીમ પહોંચી ગઈ હતી. રહીશો સાથે વાતચીત કરી તેમજ પ્રશ્નોના ઝડપી નિરાકરણનું આશ્વાસન આપતાં અંતે ચક્કાજામ હટાવ્યો હતો.

આજે થયેલા સતત બે ચક્કાજામને કારણે તંત્રમાં ભારે દોડધામ મચી હતી. ખાસ કરીને આવતીકાલે મુખ્યમંત્રી મોરબીની મુલાકાતે આવી રહ્યા છે તે પૂર્વે જ જનઆંદોલનની મોસમ ફરી ચડી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. મોરબીમાં પહેલીવાર એક જ સ્થળે કલાકોમાં જ બે વખત ચક્કાજામ સર્જાતા આ ઘટના ઐતિહાસિક બની છે.














