
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે ભરતવન ખાતે કલેકટર કે.બી.ઝવેરી તથા રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પૂર્વ સૈનિકો, શહીદ થયેલા સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ હાલના સેનામાં ફરજ બજાવતા મોરબી જિલ્લાના સૈનિકોના પરિવારજનોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 350 થી 400 જેટલા જવાનો તથા તેના પરિવારજનો હાજર રહ્યા હતા.

ખાસ કરીને સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સેનાના જવાનોના કોઈપણ પ્રશ્ન હોય તો તેને તાત્કાલિક નિકાલ કરવા માટે તંત્ર હંમેશા કાર્યરત છે તેવી ખાતરી કલેકટર દ્વારા આ કાર્યક્રમમાં સૈનિકોને આપવામાં આવી હતી.

કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા તેઓને ખાતરી આપવામાં આવી હતી કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તેઓની સાથે જ છે અને સરકારના વહીવટી તંત્રને લગતા જવાનોના કોઈપણ પ્રશ્ન હોય તો તેના માટે 24 કલાક મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના દરવાજા તેઓની માટે ખુલ્લા છે અને તેઓનું કામ ત્વરિત થાય તેના માટેની તકેદારી વહીવટી વિભાગના સ્ટાફ દ્વારા રાખવામાં આવી રહી છે.

અંતમાં નિવૃત કમાન્ડર અને ડિસ્ટ્રિક્ટ વેલ્ફેર ઓફિસર રાજકોટ-મોરબી પવન કુમારે જણાવ્યું હતું કે, દર વર્ષે ગુજરાતમાં સરકાર દ્વારા સૈનિકોની સમસ્યાઓને જાણવા, સમજવા અને તેનો ત્વરિત નિકલા કરવામાં માટે સંમેલનનું આયોજન કરવામાં આવે છે .

ખાસ કરીને જમીન સહિતના જે પ્રશ્ર્નો સૈનિકોનાં હોય છે તેનો વહીવટી તંત્ર ઝડપથી નિકાલ કરવામાં આવે છે જેથી મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે જો કે, 10 ટકા જેટલા પ્રશ્ર્નો હોય છે તેને પણ ઉકેલવા માટે તંત્ર કામ કરી રહ્યું છે.












