
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં આર.આર. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છાત્રાઓના એન.એસ.એસ. કેમ્પ અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવા માટે ચમત્કારોથી ચેતવણી આપતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. ગ્રહો, ગ્રહણો, પિતૃ-સુરાપુરા સહિતની માન્યતાઓ માનવજાતને નુકસાન કરતી નથી તથા નિવારણવિધિઓ માત્ર તુત હોવાની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી. જાથાનો આ ૧૦૦૭૧મો કાર્યક્રમ રહ્યો.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્ઘાટન સરપંચ રમેશભાઈ વિરડીયા, પ્રોગ્રામ ઓફિસર ડૉ. પી. એમ. સખીયા, પ્રિન્સીપાલ એમ. એલ. બાલધા સહિતની હાજરીમાં કરવામાં આવ્યું. રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ વિજ્ઞાનદૃષ્ટિકોણ, તર્ક અને માનવ મૂલ્યો અપનાવવાની અપીલ કરી અંધશ્રદ્ધાના ખતરાઓથી ચેતવણી આપી. વિવિધ પ્રયોગો અને નાટ્યરૂપ રજૂઆત દ્વારા ચમત્કારો પાછળની હકીકત ખુલ્લી પાડી હતી.

કોલેજની છાત્રાઓ, ગ્રામજનો અને યુવાનોની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ સફળ રહ્યો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો. જનજાગૃતિ કાર્યક્રમ માટે સંપર્ક: ૯૮૨૫૨ ૧૬૬૮૯.















