
દરિયાકાંઠાની સુરક્ષા માટે ચેરના જંગલો બન્યા કુદરતી રક્ષણ કવચ

મોરબી, તા. 19 જૂન 2026 : વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જના વધતા પડકારો વચ્ચે પર્યાવરણ સંરક્ષણ અને જૈવ-વિવિધતાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં મેન્ગૃવ (ચેર) સંવર્ધનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાના દરિયાઈ પટ્ટામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘MISHTI’ તથા ‘CAMPA’ યોજનાઓ હેઠળ હાથ ધરાયેલા વ્યાપક વનીકરણ અભિયાનના પરિણામે વર્ષ 2025-26 દરમિયાન કુલ 1500 હેક્ટર વિસ્તારમાં ચેરનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે.

મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ (ભા.વ.સે.)ના જણાવ્યા મુજબ, આ મહત્ત્વાકાંક્ષી પર્યાવરણીય અભિયાન પાછળ કુલ રૂ. 5,29,03,882નો ખર્ચ કરવામાં આવ્યો છે. મેન્ગૃવ જંગલો દરિયાઈ મોજાં, વાવાઝોડાં, સુનામી અને દરિયાઈ ક્ષરણ સામે કુદરતી સુરક્ષા કવચ તરીકે કાર્ય કરતા હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોના સંરક્ષણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

નવલખી ચેર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશીના જણાવ્યા મુજબ, ‘MISHTI’ (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Income) યોજના હેઠળ મોરબી જિલ્લામાં 500 હેક્ટર વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે રૂ. 1.52 કરોડની નાણાકીય જોગવાઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યોજનાનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના વિસ્તારોનું સંરક્ષણ, સ્થાનિક ઇકોસિસ્ટમનું જતન અને લોકોની આજીવિકાને મજબૂત બનાવવાનો છે.

તે જ રીતે, ‘CAMPA’ યોજના હેઠળ 1000 હેક્ટર વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 3,77,03,882નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજના દરિયાઈ ક્ષરણ અટકાવવા, જૈવ-વિવિધતાના સંવર્ધન અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

પર્યાવરણ નિષ્ણાતોના મતે મેન્ગૃવના મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે તેમજ તેના ગીચ જંગલો દરિયાઈ તોફાનોની અસર ઘટાડીને કિનારાના વિસ્તારોને સુરક્ષા પૂરી પાડે છે. ઉપરાંત, મેન્ગૃવ જંગલો કાર્બન સિંક તરીકે કાર્ય કરીને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવામાં મદદરૂપ બને છે.

ચેરના જંગલો માછલી, કરચલા સહિતના અનેક દરિયાઈ જીવસૃષ્ટિ માટે ઉત્તમ પ્રજનન કેન્દ્ર પૂરું પાડે છે, જેના કારણે સ્થાનિક માછીમારોની આજીવિકાને પણ સીધો લાભ મળે છે. મોરબી જિલ્લામાં હાથ ધરાયેલું 1500 હેક્ટરનું આ મેન્ગૃવ વાવેતર આગામી પેઢીઓ માટે પર્યાવરણ સુરક્ષાનું મજબૂત કવચ સાબિત થશે અને ‘મેન્ગૃવ સંરક્ષણ થકી પ્રકૃતિ સંરક્ષણ’ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.






















