HomeAllપાકિસ્તાનમાં ભયંકર મહામારી ફેલાતા WHOનું એલર્ટ, કહ્યું, ‘વાયરસને અંકુશમાં નહીં લો તો...’

પાકિસ્તાનમાં ભયંકર મહામારી ફેલાતા WHOનું એલર્ટ, કહ્યું, ‘વાયરસને અંકુશમાં નહીં લો તો…’

પાકિસ્તાનમાં એચઆઈવી ચેપમાં તીવ્ર વધારો થયો હોવાના સમાચાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડેટા અનુસાર, 2010 માં પાકિસ્તાનમાં 16,000 નવા એચઆઈવી કેસ નોંધાયા હતા, જે 2024 સુધીમાં વધીને 48,000 થઈ ગયા છે.

છેલ્લા 15 વર્ષોમાં બેફામ વધારો થતાં હવે આ સંક્રમણ માત્ર કેટલાક વિશિષ્ટ જૂથો સુધી મર્યાદિત ન રહેતાં સમાજના વ્યાપક વર્ગોમાં ફેલાઈ ગયો છે. ડબલ્યુએચઓ એ ચેતવણી આપી છે કે, જો આ સ્થિતિને તાત્કાલિક અંકુશમાં લેવામાં ન આવી તો તે દેશની પાકિસ્તાનની ભાવિ પેઢીઓ માટે વિનાશકારી પરિણામો લાવી શકે છે.

નવા કેસોની સંખ્યામાં ત્રણ ગણો વધારો!

પાકિસ્તાનમાં છેલ્લા દોઢ દાયકામાં એચઆઈવીના નવા ચેપના કેસોમાં ભયંકર વૃદ્ધિ નોંધાઈ છે. ડબલ્યુએચઓ ના ડેટા અનુસાર, વર્ષ 2010 માં અંદાજે 16,000 નવા રોગી નોંધાયા હતા, જ્યારે વર્ષ 2024 સુધીમાં આ આંકડો વધીને લગભગ 48,000 સુધી પહોંચી ગયો છે.

એટલે કે, આ સમયગાળામાં નવા કેસોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. આ વૃદ્ધિ ઉંમર, લિંગ કે સામાજિક વર્ગનો ભેદભાવ કર્યા વિના સમાજના પ્રત્યેક વર્ગને પ્રભાવિત કરી રહી હોવાની નોંધ ડબલ્યુએચઓ એ લીધી છે. એવો અંદાજ છે કે પાકિસ્તાનમાં 3,50,000 લોકો એચઆઈવી થી પીડાય છે. બીજી તરફ, અહીંના લોકોને એચઆઈવી સંક્રમણ બાબતે જાગૃત જ નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગંભીર અનુમાન

ડબલ્યુએચઓ ના અધિકારીઓએ આ પરિસ્થિતિ પ્રત્યે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, અગાઉ એચઆઈવી નો પ્રસાર મુખ્યત્વે ઇન્જેક્શન દ્વારા નશીલા પદાર્થોનો ઉપયોગ કરનારા લોકો અથવા અસુરક્ષિત પ્રક્રિયાથી રક્ત સ્વીકારનારા લોકો સુધી મર્યાદિત હતો, પરંતુ હવે આ ચેપ સામાન્ય સમુદાયો, ઘરગથ્થુ મહિલાઓ અને નિર્દોષ બાળકોમાં પણ ઝડપથી પ્રવેશ કરી રહ્યો છે. ડબલ્યુએચઓ એ ચેતવણી આપી છે કે, બાળકોને અસર કરતો આ રોગચાળો દેશના ભવિષ્ય માટે એક વિકટ પડકાર બની શકે છે. ભાવિ પેઢીને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક સામૂહિક પ્રયાસોની આવશ્યકતા છે.

એચઆઈવીના ફેલાવા માટે જવાબદાર મુખ્ય કારણો

પાકિસ્તાનમાં એચઆઈવીના બેહિસાબ ફેલાવા માટે જવાબદાર મુખ્ય કારણોમાં ‘અસુરક્ષિત રક્તદાન ને ઇન્જેક્શન સલામતીની નબળી પ્રણાલીઓ’, ‘હોસ્પિટલોમાં ચેપ નિયંત્રણના પગલાંનો અભાવ’, ‘સગર્ભાઓમાં નિયમિત એચઆઈવી પરીક્ષણની કમી’, ‘અસુરક્ષિત લૈંગિક સંબંધો’ અને ‘રોગ વિશેની જાગૃતિ/શિક્ષણની તીવ્ર કમી’ને ગણાવાયા છે.

એક ભયંકર સત્ય એ છે કે, 0 થી 14 વર્ષની વયનાં બાળકોમાં નવા કેસોની સંખ્યા 2010 માં 530 હતી તે વધીને 2023 માં 1,800 થઈ ગઈ છે. બેનઝીરાબાદ, નૌશહરો ફિરોઝ, તૌંસા, શિકારપુર, લરકાના, જેકોબાબાદ અને મીરપુર ખાસ જેવા શહેરોમાં તો એચઆઈવી સંક્રમણનો ભોગ બનેલા 80 ટકા દર્દી બાળકો છે. આ હકીકત બાળ વસ્તી પરના ગંભીર જોખમને ઉજાગર કરે છે.

સામુહિક પ્રતિકાર અને ભવિષ્યનો માર્ગ

ડબલ્યુએચઓ નું કહેવું છે કે, આ પડકારનો સામનો કરવો શક્ય છે, પરંતુ તે માટે સત્તાવાર, સામાજિક અને તબીબી સ્તરે સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે. સરકાર, આરોગ્ય સંસ્થાઓ, મીડિયા અને સમાજના નેતાઓએ ભેગા મળીને જનતામાં એચઆઈવી બાબતે જાગૃતિ ફેલાવે એ જરૂરી છે. સર્વસુલભ અને ગુપ્તતા ન જોખમાય એવી પરીક્ષણ સેવાઓ વિકસાવીને ચેપગ્રસ્ત લોકોને સમયસર અને કાર્યક્ષમ ઉપચાર (એન્ટિરેટ્રોવાઇરલ થેરપી) પૂરી પાડવી જરૂરી છે.

જો આવા પગલાં સખતાઈથી અને વેગથી ન લેવામાં આવ્યા તો એચઆઈવી/એઇડ્સનો રોગચાળો માત્ર એક આરોગ્ય સંકટ જ નહીં, પરંતુ પાકિસ્તાનના સામાજિક માળખા, માનવીય મૂલ્યો અને આર્થિક સ્થિરતા માટે પણ એક ગહન અને દૂરગામી પડકાર સાબિત થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!