
મોરબી : વિશ્વસ્તરે સર્જાયેલા ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધના કારણે ગેસ સપ્લાય ખોરવાતા મોરબીના સિરામિક ઉદ્યોગોને એક મહિનાથી વધુ સમય સુધી ઉત્પાદન બંધ રાખવાની ફરજ પડી હતી. યુદ્ધજન્ય પરિસ્થિતિમાંથી ઉદ્યોગો હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ પીજીવીસીએલની બેદરકારીભરી કામગીરીના કારણે વીજ પુરવઠાની ગંભીર સમસ્યા ઊભી થતા ઉદ્યોગકારો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ પટેલે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા બે દિવસમાં રંગપર જેટકોની ૨૨૦ KV અને ૬૬ KV લાઇનમાં બે વખત કેબલ બ્લાસ્ટ થતાં પીપળી રોડ, મહેન્દ્રનગર રોડ, માંડલ રોડ અને જેતપર રોડ વિસ્તારમાં લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે અનેક સિરામિક એકમોને ડીઝલ જનરેટરના સહારે ઉત્પાદન ચાલુ રાખવું પડ્યું છે, જ્યારે કેટલાક એકમોમાં સંપૂર્ણ ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, ફોલ્ટના કારણે ૧૨ કલાકથી વધુ સમય સુધી પાવર કાપ રહેતા ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. હાલમાં ડીઝલની અછત પણ સર્જાઈ રહી હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

PGVCL માટે મોરબી સિરામિક ઉદ્યોગ “કમાઉ દીકરો”
એસોસિએશન પ્રમુખના જણાવ્યા મુજબ પીજીવીસીએલની કુલ આવકમાં મોરબીના સિરામિક ઉદ્યોગોનો ૩૦ ટકાથી વધુ હિસ્સો છે. અહીં મોટા ભાગના એકમોમાં એચટી કનેક્શન હોવા છતાં દિવસ દરમિયાન ૨ થી ૪ વખત વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા રોજિંદી બની ગઈ છે. સ્થાનિક કક્ષાથી લઈને રાજકોટ પીજીવીસીએલના એમડી અને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

એક મિનિટના વીજકાપથી લાખોનું નુકસાન

સિરામિક ઉદ્યોગ સતત પ્રોડક્શન આધારિત ઉદ્યોગ હોવાથી માત્ર એક મિનિટના વીજકાપથી પણ હજારો નહીં પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થતું હોવાનું મનોજ પટેલે જણાવ્યું હતું. ઘણી વખત ૧ થી ૫ કલાક સુધી વીજળી ગુલ રહેતી હોવાથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે અને મશીનરી તેમજ તૈયાર માલને નુકસાન પહોંચે છે.

ઉદ્યોગકારોએ માંગ કરી છે કે, ચોમાસા પૂર્વે પીજીવીસીએલ દ્વારા પ્રી-મોનસૂન કામગીરી યોગ્ય આયોજન સાથે સમયસર કરવામાં આવે અને નાના ફોલ્ટના કારણે આખા ફીડર બંધ કરવાની પરિસ્થિતિ ટાળવા કાયમી ટેક્નિકલ સુધારા હાથ ધરવામાં આવે.






















