
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રૂ. ૨૪.૭૬ કરોડથી વધુની સહાયથી મધ્યાહન ભોજન અને પૌષ્ટિક અલ્પાહાર પૂરો પાડાયો
મોરબી, તા. _ : દેશના ભાવિ નાગરિકો એવા બાળકોનું સ્વાસ્થ્ય સુદ્રઢ બને અને શિક્ષણની સાથે તેમનું પોષણ સ્તર પણ જળવાઈ રહે તે માટે સરકારશ્રીની ‘પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના’ હેઠળ મોરબી જિલ્લાની તમામ સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટીકા તેમજ ધોરણ ૧ થી ૮ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મધ્યાહન દરમિયાન ગરમાગરમ, તાજું અને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવે છે. ઉપરાંત, બાળકોમાં પોષણનું સ્તર વધારવાના હેતુથી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત વિદ્યાર્થીઓને સવારના સમયે પૌષ્ટિક નાસ્તો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના પાંચેય તાલુકાઓના કુલ ૬૫,૪૧૩ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે કુલ રૂ. ૨૪,૭૬,૫૭,૭૦૧ની સહાય રકમ ખર્ચવામાં આવી હતી.

તાલુકાવાર વિગતો અનુસાર મોરબી તાલુકામાં સૌથી વધુ ૧૯,૪૨૦ વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળ્યો હતો, જેના માટે રૂ. ૭,૫૨,૩૦,૭૨૪ની સહાય ફાળવવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના ૧૬,૯૦૨ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડવા રૂ. ૬,૫૧,૭૯,૪૦૯ની સહાય ચૂકવવામાં આવી હતી. હળવદ તાલુકાના ૧૭,૬૪૨ વિદ્યાર્થીઓ માટે રૂ. ૫,૭૩,૦૬,૯૪૦ની સહાય ફાળવવામાં આવી હતી. ટંકારા તાલુકાના ૫,૯૫૯ વિદ્યાર્થીઓને રૂ. ૨,૪૯,૭૫,૪૬૭ની સહાય આપવામાં આવી હતી, જ્યારે માળિયા તાલુકાના ૫,૪૯૦ વિદ્યાર્થીઓ માટે રૂ. ૨,૪૯,૬૫,૧૬૧ની સહાય રકમ ચૂકવવામાં આવી હતી.

સરકારશ્રીની કટિબદ્ધતા, યોજનાના પારદર્શી અમલીકરણ તથા મોરબી જિલ્લા વહીવટી તંત્રના સુચારુ સંકલનના પરિણામે ‘પીએમ પોષણ યોજના’ જિલ્લાના છેવાડાના શ્રમિક અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપતું અસરકારક માધ્યમ બની રહી છે. આ યોજના બાળકોના શારીરિક તેમજ બૌદ્ધિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

























