
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લાઈટ પાણી રોડ રસ્તા, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી લોકોમાં રોષની લાગણી છે અને ખાસ કરીને છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ચિત્રકૂટ સોસાયટી ભાજપનો ગઢ ગણાય છે.

અને ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પણ જો પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડતું હોય તો આગામી ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય વિસ્તારમાં નહીં ખુલે અને વિસાવદર વાળી થશે તેવી ચીમકી સાથેના વિડીયો સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

મોરબી મહાનગરપાલિકામાં આવતા શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારને છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ કહેવામાં આવે છે પરંતુ ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની અંદર રહેતા લોકોને આજની તારીખે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેથી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

તેવામાં રવિવારે રાતના સમયે અંદાજે 150 થી 200 જેટલા સોસાયટી વિસ્તારના લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ તેઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

જેમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ 25 વર્ષ કરતાં વધુ સમયથી બીજી કોઈ પાર્ટીનું કાર્યલય ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં ખોલવા દેવામાં આવ્યું નથી અને વન વે ભાજપ તરફ વોટિંગ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારને ભાજપનો ગઢ કહેવામા આવે છે
























