અંબિકા,પૂર્ણા, મિંઢોળા સહિતની નદીઓ બે કાંઠે : હાલ રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું જામ્યું છે

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરના પગલે નદી-નાળા છલકાયા છે.ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઓલન, અને ઝાખરી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, ખાપરી સહિતની નદીઓ ભયજનક સપાટી વટાવી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે.

ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના લીધે નદી, નાળા, ઝરણાં અને ડેમ છલકાયા હતા . ઘણી જગ્યા તબાહીના દ્વશ્યો પણ સામે આવ્યા છે.ડાંગની જિલ્લામાં આવેલો ગીરાધોધ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.

ત્યારે ભારે વરસાદના લીધે હાલમાં ગીરાધોધ પાસે જવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે. વરસાદની સતત વધતી તીવ્રતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે.

જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવાના આદેશ આપ્યા છે.ખાસ કરીને નદી કિનારે આવેલા ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.

સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
























