
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા 177 જેટલા ઉમેદવારોમાંથી આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ મળીને 94 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનીને લોક સેવા કરવા માટે ઘણા આગેવાનો દ્વારા રાજકીય પક્ષો અને અપક્ષોમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી 52 બેઠકો માટે કુલ 177 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી જોકે, મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મતદારો દ્વારા 65.62 ટકા જેટલું મતદાન કરવામાં આવ્યું હતું

તે મતોની ગણતરી કરવામાં આવી હતી દરમિયાન જે તે વોર્ડમાં માન્ય થયેલા મતોને 16 થી ભાંગવામાં આવેલ ત્યાર બાદ જે આંકડો આવે તેટલા મતો જે ઉમેદવારોને મળ્યા હોય તેમની ડિપોઝિટ બચી જાય છે તેનાથી ઓછા મત જે ઉમેદવારોને મળ્યા હોય તેવા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ જતી હોય છે. મોરબીમા મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જે ઉમેદવારો હતા

તેમાંથી કોંગ્રેસના 28, આમ આદમી પાર્ટીના 46 તથા અન્ય પક્ષ અને અપક્ષના 20 આમ કુલ મળીને 94 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાની ચૂંટણીમાં 52 ને 52 બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા

જો કે, પરિણામ જાહેર થયું ત્યારે 52 પૈકીના 46 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગયેલ છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો 49 બેઠક ઉપર કોંગ્રેસે તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને તે પૈકીના 28 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે આ ઉપરાંત અન્ય પક્ષ અને અપક્ષમાંથી જે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી તેમાંથી 20 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થયેલ છે
























