HomeAllભાજપના વિજેતા સભ્યોને આગેવાનોનું માર્ગદર્શન: વિકાસ અને લોકસેવા પર ભાર

ભાજપના વિજેતા સભ્યોને આગેવાનોનું માર્ગદર્શન: વિકાસ અને લોકસેવા પર ભાર

મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના ઉમેદવારો અને ચૂંટાયેલા સભ્યો માટે આયોજિત માર્ગદર્શન સમારોહમાં પક્ષના આગેવાનોએ વિકાસલક્ષી કાર્ય, લોકસેવા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા પર ભાર મુક્યો હતો.

જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્ર સક્સેના એ સંબોધન કરતા જણાવ્યું હતું કે, 18 દિવસ ચાલેલી ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભાજપે 250 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 188 બેઠકો પર વિજય મેળવ્યો છે. તેમણે ચૂંટાયેલા સભ્યોને સંદેશ આપતા કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ઐતિહાસિક કાર્ય કરી લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવું જોઈએ. વિકાસને પ્રાથમિકતા આપવી અને વ્યક્તિગત લાભથી દૂર રહેવું જોઈએ. સંગઠનને સર્વોપરી માનવા પણ તેમણે અપીલ કરી હતી.

સાંસદ ચંદુભાઈ શિહોરા એ જણાવ્યું હતું કે, જનતાએ પાંચ વર્ષ માટે વિશ્વાસ મૂકી જવાબદારી સોંપી છે. ચૂંટાયેલા સભ્યોએ ચૂંટણી ખર્ચની ચિંતા કર્યા વગર સેવા કાર્યોમાં જોડાઈ જવું જોઈએ. આગામી સમયમાં વધુ મજબૂત જનસમર્થન મળે તે માટે લોકહિતના કાર્યો કરવા તેમણે અપીલ કરી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા એ જણાવ્યું હતું કે, આ વિજય કાર્યકર્તાઓની મહેનત અને સંગઠનની શક્તિનું પરિણામ છે. તેમણે ચૂંટાયેલા સભ્યોને પોતાના વિસ્તારમાં જઈ મતદાતાઓનો આભાર માનવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા એ ઉમેદવારોને મનદુઃખ ભૂલી લોકોના કામોમાં લાગી જવાની અપીલ કરી હતી. જ્યારે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા એ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઝડપથી પહોંચે તે માટે કાર્ય કરવાની હાકલ કરી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા એ જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન જે ઉત્સાહથી પ્રચાર કરવામાં આવ્યો હતો, તે જ ભાવનાથી આગામી પાંચ વર્ષ સુધી લોકોની વચ્ચે રહી સેવા કરવી જોઈએ. લોકો ફરિયાદ કરે તે પહેલાં સમસ્યાઓ ઓળખી તેનું નિરાકરણ લાવવું જોઈએ. તેમણે દર મહિને ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે તેવી માહિતી આપી હતી.

સમારોહમાં પ્રકાશભાઈ વરમોરા, બ્રિજેશ મેરજા, હંસાબેન પારેલી, રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments