
અમદાવાદ, તા. 23 જુલાઈ : સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરતાં હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 18 જિલ્લામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, મોરબી, નવસારી અને તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ અને નાળાઓમાં પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસ દરમિયાન વરસાદની તીવ્રતામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે નાગરિકોને પણ સાવચેતી રાખવા અને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી તાજી આગાહીઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
મોરબીમાં આજે રાત્રીના 11 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને રેલમછેલ વરસાદ વરસ્યો હતો.


























