
૨૯-૧૦-૨૦૨૬: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડીયાણા ગામે વર્ષ ૧૯૮૩માં નિર્મિત નાની સિંચાઈ યોજનાના તળાવનું રૂ. ૧૦૭.૩૯ લાખના ખર્ચે રિનોવેશન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થયેલી આ કામગીરીથી તળાવની જળસંગ્રહ ક્ષમતામાં અંદાજે ૫૨૭ લાખ લીટર એટલે કે ૧.૮૬ એમસીએફટીનો વધારો થયો હોવાનું સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

રિનોવેશનની કામગીરી અંતર્ગત તળાવને ઊંડું ઉતારવાની સાથે બંધના માટીપાળાને મજબૂત બનાવવામાં આવ્યો છે. ઉપરાંત, બંધના ઢોળાવ પર નવેસરથી પથ્થરનું પીચિંગ કરવામાં આવ્યું છે, જેથી તળાવની માળખાકીય મજબૂતાઈમાં વધારો થયો છે.

આ સિંચાઈ યોજનામાં આશરે ૪૮ એકરનો કમાન્ડ વિસ્તાર સમાવિષ્ટ છે. જ્યારે ૩૦ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાક માટે સિંચાઈની સંભાવના રહેલી છે. તળાવની સંગ્રહ ક્ષમતામાં થયેલા વધારાથી વરસાદી પાણીનો વધુ જથ્થો સંગ્રહિત કરી શકાશે, જે ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધારવામાં મદદરૂપ બનશે.

તળાવના રિનોવેશનથી વરસાદી પાણીનો મહત્તમ ઉપયોગ શક્ય બનશે. સાથે જ ભૂગર્ભજળની સપાટીમાં સુધારો થવાની અને ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થવાની સંભાવના છે. આ કામગીરીથી ખેતીના વિકાસને વેગ મળવાની સાથે ખેડૂતોના આર્થિક જીવનધોરણમાં સુધારો થવાની અપેક્ષા છે.























