મ્યુનિ. કમિશનરને લેખિત રજૂઆત કરી હોર્ડિંગનું કામ તાત્કાલિક અટકાવવા અને મંજૂરી ન આપવા માંગ

૨૯-૧૦-૨૦૨૬: મોરબી-૨ વિસ્તારમાં આવેલી શિવમ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ૫૦ ફૂટ ઊંચું અને ૩૦ ફૂટ પહોળું વિશાળ જાહેરાતનું હોર્ડિંગ ઊભું કરવાની કામગીરી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંભવિત અકસ્માત અને જાનહાનિના જોખમને ધ્યાનમાં રાખીને રહીશો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કામ અટકાવવા માંગ કરવામાં આવી છે.

સોસાયટીમાં રહેતા જલાભાઈ જશાભાઈ રાઠોડે કરેલી રજૂઆત મુજબ, મારુતિ કોમ્પ્લેક્સ નજીક આવેલા સોસાયટીના કોમન પ્લોટમાં વિશાળ હોર્ડિંગ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ પ્લોટનો ઉપયોગ લગ્નપ્રસંગો સહિતના સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે થતો હોવાથી હોર્ડિંગના નિર્માણથી પ્લોટના ઉપયોગમાં અવરોધ ઊભો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આસપાસના દુકાનદારોને પણ નુકસાન થવાની ભીતિ દર્શાવવામાં આવી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે હોર્ડિંગની નજીક વીજતારો હોવાથી અકસ્માતનું જોખમ વધી શકે છે. ભારે પવન કે વાવાઝોડા દરમિયાન આટલું વિશાળ હોર્ડિંગ ધરાશાયી થાય તો ગંભીર અકસ્માત સર્જાવાની અને જાનહાનિ થવાની આશંકા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકા તંત્રને હોર્ડિંગની કામગીરી તાત્કાલિક અટકાવવા, તેની મંજૂરી ન આપવા તથા સંભવિત જોખમ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે. ભવિષ્યમાં હોર્ડિંગ ધરાશાયી થવાથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો તેની જવાબદારી હોર્ડિંગના માલિકની રહેશે તેવી રજૂઆતમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.























