
મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબ આશરે 80 ટકા જળસંગ્રહ થઈ ગયો છે. હાલમાં ડેમમાં 136 ક્યુસેક પાણીની સતત આવક નોંધાઈ રહી હોવાથી આગામી સમયમાં વધારાનું પાણી નદીમાં છોડવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા હેઠવાસના ગામોને સાવચેતી રાખવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સંબંધિત અધિકારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ અધિક્ષક ઈજનેરને સ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાસમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા, નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ માલ-મિલ્કત અને ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અપીલ કરવામાં આવી છે.

મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવેલા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત માળિયા (મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મીં), હરીપર અને ફતેપર ગામોના લોકોને પણ સાવચેતી રાખવા તથા કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે.




















