મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે અનેક સ્થળોએ કોઝવે અને કામચલાઉ ડાયવર્ઝન ઉપરથી પાણીનો ભારે પ્રવાહ શરૂ થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને સાવચેતીના ભાગરૂપે ચાર મહત્વના માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે તમામ વાહનચાલકોને બંધ કરાયેલા માર્ગો પર જવાનું સાહસ ન કરવા તેમજ તંત્ર દ્વારા જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.


મોરબી નજીક ધરમપુર-ટીંબડી બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ત્યાં બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન ઉપરથી પાણી ફરી વળતાં આ માર્ગ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો માટે નેશનલ હાઇવે તરફથી વૈકલ્પિક ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે.

હળવદથી સરા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોવાથી આ માર્ગ પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને હળવદથી કડિયાણા થઈને સરા તરફ જવાના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.


હળવદ તાલુકાના દીઘડિયા ગામે આવેલા કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકો તથા વાહનવ્યવહારની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

તે જ રીતે ઘંટીલાથી કુંભારીયા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પણ પાણીનો ભારે પ્રવાહ શરૂ થતાં આ માર્ગ તમામ પ્રકારના વાહનવ્યવહાર અને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. સંબંધિત વિસ્તારમાં રહેતા નાગરિકોને પાણીના વહેણવાળા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા અને જરૂરી હોય ત્યારે જ સલામત વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે.


જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે વરસાદની સ્થિતિને સતત ધ્યાનમાં રાખીને માર્ગોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોએ પોતાની તથા અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરાયેલા માર્ગો પર અવરજવર ન કરવી, પાણીના વહેણમાં વાહન ઉતારવાનો પ્રયાસ ન કરવો અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.





















