HomeAllમચ્છુ-૩ ડેમમાંથી પાણીનો નિકાલ શરૂ: ૨ દરવાજા ૧ ફૂટ ખોલાયા, મોરબી-માળિયા(મીં)ના ૨૧...

મચ્છુ-૩ ડેમમાંથી પાણીનો નિકાલ શરૂ: ૨ દરવાજા ૧ ફૂટ ખોલાયા, મોરબી-માળિયા(મીં)ના ૨૧ ગામોને એલર્ટ

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજના સતત પાણીની આવકના કારણે રૂલ લેવલ મુજબ ૧૦૦ ટકા ભરાઈ જતાં આજે સાંજે ૦૬:૦૦ કલાકે ડેમના ૨ દરવાજા ૧.૦૦ ફૂટ સુધી ખોલી વધારાના પાણીનો નિકાલ શરૂ કરવામાં આવ્યો છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતાં મચ્છુ નદીમાં પાણીની સપાટીમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાસના વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા (મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મીં), હરીપર અને ફતેપર સહિત કુલ ૨૧ ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, કોઈપણ પ્રકારનું સાહસ ન કરવા, પશુધન અને કિંમતી સામાનને સલામત સ્થળે ખસેડી દેવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તંત્રએ જણાવ્યું છે કે ડેમમાં પાણીની આવક અને નદીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પરિસ્થિતિ અનુસાર જરૂરી પગલાં લેવામાં આવશે. નાગરિકોએ અફવાઓથી દૂર રહી માત્ર જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments