
અંબાજી : ઉતર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં 20 સપ્ટેમ્બરથી ભાદરવી પુનમનો મહામેળો શરૂ થશે. લાખો માઈભકતો પદયાત્રા કરીને આદ્યશક્તિ અંબે માતાજીનાં દર્શન કરવા માટે અને નવરાત્રીમાં પોતાને ત્યાં ગરબે રમવા આવે એવું હેતપુર્વક ભાવભીનું આમંત્રણ આપવા માટે અંબાજી મંદિરે પહોંચશે. આસ્થા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતા ભાદરવી પુનમના મેળાની વિગતો આપતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલે કહ્યું હતું કે ‘માઈભકતોને કોઈ તકલીફ ન પડે એ રીતે વ્યવસ્થાઓ જળવાય એવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની વ્યવસ્થાઓ માટે 29 સમીતીઓની રચના કરી છે.

જો હવામાન સાફ રહેશે તો 22 અને 23 સપ્ટેમ્બરે અંબાજી મંદિર ખાતે ડ્રોન શોનું આયોજન કરાશે. ગબ્બર પર વિશેષ રોશની કરાઈ છે. મેળામાં આવતા પદયાત્રીઓ માટે રૂપિયા 10 કરોડનું વીમાકવચ લેવામાં આવ્યું છે. પદયાત્રી બનાસકાંઠા જિલ્લાની હદમાં હોય અને કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક બે લાખ રૂપિયાની વીમાસહાય આપવામાં આવશે.’ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. મોહનથાળના પ્રસાદના 40 લાખ પેકેટ બનાવવામાં આવશે.

જાણવા જેવું * 750 કલોઝડ સર્કિટ ટેલિવિઝન કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે. * 5000 જેટલા પોલીસજવાનો બે શિફટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. * અંબાજીથી 60 કિલોમીટરના વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટલાઈટની વ્યવસ્થા કરાશે. * આશરે 2000 સફાઈ મિત્રો 135થી વધુ ટ્રેકટરોની મદદથી સફાઈ કરશે.























