HomeAllમોરબીમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકાનું આયોજન: 4 સ્થળોએ મૂર્તિ કલેક્શન સેન્ટર, લીલાપર-વીરપર...

મોરબીમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકાનું આયોજન: 4 સ્થળોએ મૂર્તિ કલેક્શન સેન્ટર, લીલાપર-વીરપર રોડની ખાણ ખાતે વિસર્જન

મોરબી : ગણેશોત્સવ અંતર્ગત આગામી તા. 23 અને 25 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનાર ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે લીલાપરથી વીરપર તરફ જતા માર્ગ પર આવેલી ખાણને નિયત કરવામાં આવી છે.

નાગરિકો અને ગણેશ મંડળોને મૂર્તિ વિસર્જન માટે સરળતા રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર મહત્વના સ્થળોએ કલેક્શન સેન્ટર એટલે કે પીકઅપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં એમ.પી. સેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, વી.સી. ફાટક પાસે, એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલી જગ્યાનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા શહેરના તમામ નાગરિકો, શ્રદ્ધાળુઓ અને ગણેશ મંડળોને અપીલ કરવામાં આવી છે કે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે કોઈપણ અનધિકૃત સ્થળનો ઉપયોગ ન કરવો અને માત્ર લીલાપર-વીરપર રોડ પર નિયત કરાયેલા વિસર્જન સ્થળનો જ ઉપયોગ કરવો.

નિયત વિસર્જન સ્થળે નાગરિકોની સુવિધા માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ તેમજ સુરક્ષા વ્યવસ્થા મહાનગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવશે. નાગરિકોએ નિયત કરાયેલા કલેક્શન પોઈન્ટ્સ અને વિસર્જન સ્થળની સુવિધાઓનો લાભ લઈ તંત્રના કર્મચારીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ તા. 23 અને 25 સપ્ટેમ્બરના નિર્ધારિત દિવસોએ ક્રેન સહિતના જરૂરી સાધનોની મદદથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. જ્યારે અન્ય દિવસોમાં પણ નિયત વિસર્જન સ્થળે મહાનગરપાલિકાનો સ્ટાફ હાજર રહેશે અને મૂર્તિ વિસર્જનની કામગીરીમાં જરૂરી સહાય પૂરી પાડશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments