HomeAllમોરબી: નવા હાઉસિંગ બોર્ડના ગણેશ મહોત્સવમાં વડીલોની ભાવસભર હાજરીએ આપ્યો માવતર સેવાનો...

મોરબી: નવા હાઉસિંગ બોર્ડના ગણેશ મહોત્સવમાં વડીલોની ભાવસભર હાજરીએ આપ્યો માવતર સેવાનો અનોખો સંદેશ

મોરબી, તા.17: મોરબીના શનાળા રોડ પર માર્કેટ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ બોર્ડ ખાતે ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ અંતર્ગત ગઈકાલે વૃદ્ધાશ્રમના વડીલોને ખાસ આમંત્રણ આપી ગણેશજીના દર્શન અને મહાઆરતીનો લાભ અપાવવામાં આવ્યો હતો. વડીલોની ઉપસ્થિતિથી સમગ્ર ગણેશ મહોત્સવ પરિસરમાં ભક્તિ સાથે લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું.

વૃદ્ધાશ્રમમાંથી આવેલા વડીલોએ દુંદાળા દેવ ગણેશજીના દર્શન કરી મહાઆરતીમાં ભાવપૂર્વક ભાગ લીધો હતો. જીવનના અંતિમ પડાવમાં એકલતા અને સંતાનથી દૂર રહેવાની પીડા વચ્ચે પણ આ વડીલો ગણેશજીની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. મહાઆરતી દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે અનેક ભાવુક દૃશ્યો પણ સર્જાયા હતા.

નવા હાઉસિંગ બોર્ડના રહીશોએ વૃદ્ધાશ્રમના વડીલોનું માવતર સમાન સન્માન કરી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે ભગવાન ગણેશ સમક્ષ વડીલોના સંતાનોને સદબુદ્ધિ મળે અને માતા-પિતાને પ્રેમ, સન્માન તથા સાથ મળે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.

ગણેશ મહોત્સવના આ આયોજન દ્વારા માત્ર ધાર્મિક ભાવનાને જ નહીં પરંતુ સામાજિક જવાબદારીને પણ ઉજાગર કરવામાં આવી હતી. માતા-પિતાએ સંતાનોના બાળપણથી જીવનભર કરેલી સેવા અને સંભાળનો ઋણ માત્ર તહેવારોના દિવસે યાદ કરવાથી નહીં, પરંતુ તેમના જીવનના અંતિમ પડાવમાં સમય, સન્માન, લાગણી અને સાથ આપવાથી ચૂકવી શકાય છે.

નવા હાઉસિંગ બોર્ડના રહીશોએ વૃદ્ધાશ્રમના વડીલોને ગણેશ મહોત્સવમાં આમંત્રિત કરીને સમાજને માવતર સેવા અને વડીલો પ્રત્યે સન્માનનો હૃદયસ્પર્શી તથા પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments