
રાત્રે 9:30: વાગ્યે ચંદ્રશેખર પંડ્યાનો હાસ્ય કાર્યક્રમ યોજાશે, શનાળા રોડના ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટવાની શક્યતા

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’ નામથી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ અંતર્ગત દરરોજ વિઘ્નહર્તા ગણેશજીની પૂજા-અર્ચના તથા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ભક્તિ સાથે મનોરંજનનો રંગ પણ ઉમેરાશે. રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યાનો વિશેષ હાસ્ય કાર્યક્રમ યોજાશે. ચંદ્રશેખર પંડ્યા પોતાની આગવી હાસ્યશૈલી અને રમૂજી રજૂઆતથી ઉપસ્થિતોને હાસ્યરસથી તરબોળ કરશે.

ગણેશ મહોત્સવના ધાર્મિક માહોલ વચ્ચે યોજાનારા આ હાસ્ય કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં ચંદ્રશેખર પંડ્યાની આગવી શૈલીમાં હાસ્યની રમઝટ જોવા મળશે, જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

આયોજકો દ્વારા ગણેશભક્તો, ધર્મપ્રેમી નાગરિકો તથા હાસ્યરસિકોને આજે રાત્રે યોજાનારા ચંદ્રશેખર પંડ્યાના હાસ્ય કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.





















