
રાજકોટ, તા. 18 : રાજકોટની રંગભૂમિ પર સ્થાનિક પ્રતિભાશાળી કલાકારો દ્વારા આગામી 21 જૂન, રવિવારે રાત્રે 9:45 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે બે એકાંકી નાટકો ‘ચિત્રકાર’ અને ‘કોરા કાગળના કટકા’નું મંચન કરવામાં આવશે. રાજકોટ થિયેટર ક્લબના આયોજન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં નાટ્યપ્રેમીઓને એક જ ટિકિટમાં બે અલગ-અલગ વિષયવસ્તુ ધરાવતા નાટકો માણવાની તક મળશે.

કાર્યક્રમમાં પ્રથમ રજૂઆત ફેક સ્માઇલ પ્રોડક્શન નિર્મિત એકાંકી નાટક ‘ચિત્રકાર’ની થશે. નીરવ કુબાવત અને નીરજ કુબાવત લિખિત તેમજ અભિષેક પંડ્યા દિગ્દર્શિત આ નાટક એક કલાકારના જીવનમાં કલા અને પ્રેમ વચ્ચે સર્જાતી સંવેદનાત્મક પરિસ્થિતિઓને ઉજાગર કરે છે. નાટકમાં દર્પણ લાઠીગરા, શ્રી માંડવિયા, અદ્વૈત અંતાણી, કુલદીપસિંહ રાજપૂત અને મૌલી ભોજક અભિનય કરશે. સહ-દિગ્દર્શન, સંગીત સંકલન અને સંચાલન મિતેષ જોશી દ્વારા કરવામાં આવશે, જ્યારે સેટિંગ્સ ચેતન ટાંક, નેપથ્ય હર્ષ પાટિલ, કથા અંતાણી અને દેવાંગ રાઠોડ સંભાળશે.

ત્યારબાદ શિવમ ફાઉન્ડેશન – રાજકોટ નિર્મિત એકાંકી નાટક ‘કોરા કાગળના કટકા’નું મંચન કરવામાં આવશે. અમૂલખ ભટ્ટ લિખિત અને ગૌતમ દવે દિગ્દર્શિત આ નાટક ફૂટપાથ પર જીવન વિતાવતા નિરાધાર બાળકોના સંઘર્ષ, સપનાઓ અને જીવનમૂલ્યોને સ્પર્શતી સંવેદનશીલ કથા રજૂ કરે છે. નાટકમાં ચાર્મી રાજવીર, શમિક દવે, યતીન આશરા, અમરીશ મોદી, જયેશ પડીયા, પ્રેરક મેર, ગુલામ હુસેન અગવાન, ઝંખના ભટ્ટ સહિત અનેક કલાકારો તથા બાળ કલાકારો અભિનય કરશે. સંગીત સંકલન અને સંચાલન આર્ષ વ્યાસ દ્વારા તેમજ નેપથ્ય વ્યવસ્થા રાધિકા વાગડિયા અને સાગર મૂળિયા દ્વારા સંભાળવામાં આવશે.

બંને નાટકોમાં પ્રકાશ રચના અને સંચાલન હાર્દિક મહેતા, રંગભૂષા મુસ્કાન ભટ્ટી તથા કાર્યક્રમનું સંચાલન ચેતસ ઓઝા કરશે.

આ નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ મહેન્દ્રભાઈ રવાણી કૉ-પાવર્ડ સ્પોન્સર તરીકે તેમજ નાદયુગ સ્ટુડિયો – પરાગ ભટ્ટ, આઇઝોન ટૂલ્સ – નિલેશભાઈ ડોશાણી, એકલવ્ય એકેડમી – ડૉ. નિતિન પ્રજાપતિ અને જ્યુસ ડી – રાઘવ બુચ વિવિધ સ્વરૂપે સહયોગ આપી રહ્યા છે.

નાટ્યપ્રેમી દર્શકો બંને નાટકો માત્ર એક જ ટિકિટમાં માણી શકે તે માટે રૂ. 350, 250, 150 અને 100ના વ્યાજબી દર નક્કી કરવામાં આવ્યા છે. ટિકિટ બુકિંગ માટે 8866504858 અથવા 9737504858 નંબર પર સંપર્ક કરી શકાશે.























