HomeAllરાજયમાં જળસંકટનાં એંધાણ: 88 ડેમોમાં 20%થી ઓછું પાણી!

રાજયમાં જળસંકટનાં એંધાણ: 88 ડેમોમાં 20%થી ઓછું પાણી!

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે રાજ્યના જળાશયોના જળસ્તરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં જળસંકટ ઘેરૂ બનવાની આશંકા છે. હાલમાં રાજ્યના કુલ 207 મહત્વના જળાશયોમાં સરેરાશ માત્ર 55.24% જેટલો જ પાણીનો સંગ્રહ બચ્યો છે. જો આ વર્ષે ચોમાસું સમયસર અને સારું નહીં રહે, તો પીવાના અને સિંચાઈના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. જો કે, આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાજકોટનો એક ડેમ અપવાદ સાબિત થયો છે.

ઝોન પ્રમાણે જળસંગ્રહની સ્થિતિ

ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 45.60% અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56% પાણી ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 48.40%, કચ્છના 20 જળાશયોમાં 33.14% અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 36.59% જળસંગ્રહ રહ્યો છે.

સરદાર સરોવર અને આજી 2 ડેમની સ્થિતિ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 70.92% જેટલો સંતોષકારક જળસંગ્રહ જોવા મળી રહ્યો છે, જે મોટી રાહતની વાત છે. આ સિવાય, સમગ્ર ગુજરાતમાં રાજકોટનો ’આજી 2’ એકમાત્ર એવો ડેમ છે જ્યાં હાલમાં 90% થી વધુ પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે.

અને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પાસે આવેલા વેણુ-2 જળાશય ખાતે ચોમાસા પહેલા જરૂરી રિપેરિંગ માટે તેમજ ડેમ ઉપરનો પાણીનો જથ્થો નદીમાં છોડવા માટે 25મી મેના રોજ સવારે 11 કલાકે જળાશયના 4 દરવાજા 0.91 મીટર જેટલા ખોલવામાં આવેલ છે. આથી સ્થાનિક લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે.

જેમાં ઉપલેટાના ગધેઠડ ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરાયો છે. આ સાથે વરજાંગ જાળિયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામના લોકોને સાવધ રહેવા ચેતવણી સંદેશ જારી કરાયો છે.

ડેમની પૂર્ણ જળ સપાટી 55 મીટર છે. જ્યારે 52.64 મીટર ભરાયેલો છે. કુલ જથ્થો 11.62 ઘનમીટર છે, તેમ રાજકોટ જિલ્લા પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પાણીની ચિંતાજનક સ્થિતિ વચ્ચે પણ રાજકોટવાસીઓને 1 જુલાઈ સુધી પીવાના પાણીની કોઈ ચિંતા રહી નથી કારણ કે સૌની યોજનાનાં કારણે આજી-1 અને ન્યારી-1 ડેમ હજુ પણ 60 ટકાથી વધુ ભરાયેલા છે અને આરએમસી દ્વારા ફરી આવતા માસમાં સૌની યોજનાનું પાણી માંગનાર છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments