
સંસ્કારી નગરી વડોદરા હવે પરમાણુ ઊર્જા ક્ષેત્રે વિશ્વના નકશા પર ચમક્યું છે. વડોદરાના એક સ્થાનિક MSME એકમ ‘વિવિધ હાઇફેબ’ દ્વારા ત્રણ વર્ષના સઘન સંશોધન બાદ ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાતા અત્યંત જટિલ સાધનોનું સ્વદેશી નિર્માણ કરવામાં આવ્યું છે. પરમાણુ રિએક્ટરમાંથી નીકળતા ખતરનાક રેડિયેશન ધરાવતા ‘સ્પેન્ટ ફ્યુઅલ રોડ્સ’ના પરિવહન અને સંગ્રહ માટેના સાધનો હવે વિદેશથી આયાત નહીં કરવા પડે, કારણ કે તેનું નિર્માણ હવે વડોદરામાં થઈ રહ્યું છે.

વિશ્વની પ્રથમ ઘટના: ત્રણેય સાધનો એક જ સ્થળે

ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં સૌથી પડકારજનક કામ વપરાયેલા ફ્યુઅલ રોડ્સનું સંચાલન કરવાનું હોય છે. આ માટે મુખ્ય ત્રણ સાધનોની જરૂર પડે છે:
-ફ્યુઅલ ટ્રાન્સફર મશીન

-સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સ્પોર્ટેશન કન્ટેનર
-સ્ટોરેજ રેક્સ
આ ત્રણેય સાધનો એક જ સ્થળે બનતા હોય તેવી આ વિશ્વની પ્રથમ ઘટના છે. અત્યાર સુધી આ ટૅક્નોલૉજી માટે ભારત વિદેશી કંપનીઓ પર નિર્ભર હતું, પરંતુ હવે વડોદરા આ સાધનોનું હબ બન્યું છે.

કેમ આ સાધનો છે અત્યંત મહત્ત્વના?
પરમાણુ પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા માટે યુરેનિયમ ધરાવતા ફ્યુઅલ રોડ્સનો ઉપયોગ થાય છે. જ્યારે આ રોડ્સની લાઇફ પૂર્ણ થાય, ત્યારે પણ તેમાં પુષ્કળ ગરમી અને ખતરનાક વિકિરણો (રેડિયેશન) હોય છે. તેને રિએક્ટરમાંથી કાઢીને 6-7 વર્ષ સુધી પાણીના પોન્ડમાં સુરક્ષિત રાખવા પડે છે. ત્યારબાદ તેને પ્લાન્ટની બહાર ખસેડવા માટે વિશેષ કન્ટેનર અને મશીનોની જરૂર પડે છે, જે સહેજ પણ રેડિયેશન લીક ન થાય તે રીતે તૈયાર કરવામાં આવે છે.

બોરોટેડ સ્ટેનલેસ સ્ટીલનો જાદુ
વડોદરાના આ એકમે ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના સહયોગથી સ્પેન્ટ ફ્યુઅલ સ્ટોરેજ રેક્સ (SFSR) તૈયાર કર્યા છે. આ રેક્સ બનાવવા માટે ખાસ ‘બોરોટેડ સ્ટેનલેસ સ્ટીલ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ન્યુટ્રોન એમિશન(વિકિરણો)ને રોકવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓના કડક પરીક્ષણોમાં આ સાધનો સફળ સાબિત થયા છે.

કુડાનકુલમ પાવર પ્લાન્ટમાં થશે ઉપયોગ
વડોદરામાં તૈયાર થયેલો આ પ્રથમ જથ્થો તમિલનાડુના કુડાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે મોકલવામાં આવશે. આગામી દિવસોમાં ફ્યુઅલ ટ્રાન્સફર મશીન પણ તૈયાર થઈ જશે.

દેશના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘સ્વદેશી’ અભિયાનને વડોદરાના આ સાહસિક એકમે નવી ઊંચાઈ આપી છે. આ સિદ્ધિથી ભારતની વિદેશી મુદ્રાની બચત થશે અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારતની સુરક્ષા અને સ્વાયત્તતા મજબૂત બનશે.









