જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફલો: પોરબંદરના ઘેડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી: કેશોદ-માણાવદરમાં પાંચ ઈંચ
સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે સવાર સુધી જુનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લામાં 1થી7 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડુતો હવે વાવણી કાર્ય માટે બિયારણ અને ખાતરની ખરીદી માટે તૈયારી હાથ ધરી છે.


જુનાગઢના મેંદરડા, વંથલી, કેશોદ, માણાવદર, ભેંસાણ તાલુકામાં શ્રીકાર વર્ષાથી નદી-નાળા વહેતા થયા હતા. નદીઓમાં પુર આવ્યુ હતું. પોરબંદરના ઘેડ પંથકમાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. જયારે જામનગર જિલ્લાની જીવાદોરીસમો રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં ખેડુતો ખુશખુશાલ થયા છે.

જામનગર
જામનગર જિલ્લામાં રવિવારે વરસાદનો બીજો રાઉન્ડ થતાં વાતાવરણમાં ઠંડક સાથે વધુ 1થી7 ઈંચ જેટલો વરસાદ વરસતા જામનગરની જીવાદોરી સામે રણજીતસાગર ડેમ ઓવરફલો થયો અને જિલ્લાના કાલાવડ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.

જિલ્લાના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં જામજોધપુર, ઝાલાવાડ, જોડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાલપુર 41 મી.મી., ધ્રોલ 16 મી.મી. વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક 1થી7 ઈંચ વરસાદ વરસતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે.

પોરબંદર
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક 1થી5 ઈંચ વરસાદ 24 કલાક દરમિયાન નોંધાયો છે. રવિવારે પોરબંદરનાં માધવપુર ઘેડ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. માધવપુર મેળાનું ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થયુ હતુ.

કુતિયાણા તાલુકા અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. રાણાવાવ પંથકમાં ત્રણ દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડુતો મગફળી અને સોયાબીનનુ બિયારણ અને ખાતરની ખરીદી શરૂ કરી છે.

જુનાગઢ જિલ્લામાં પણ રવિવારે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. મેંદરડા 6, વંથલી, કેશોદ, માણાવદર પંથકમાં પાંચ ઈંચ, ભેંસાણ-વિસાવદર ચાર ઈંચ અને માંગરોળ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. કેશોદમાં ધોધમાર વરસાદથી પાંચ ઈંચ વરસાદ વરસતા ઉતાવળી નદીમાં પુર આવ્યુ હતું.

બાંટવાના ખાસ ડેમમાં નવા નીર અને રસાલા ડેમ, વંથલીની મધુવંતી, ઉબેણ, શાબરી નદીઓ વહી હતી. જુનાગઢ જિલ્લામાં સર્વત્ર વાવણી લાયક વરસાદથી ખેડુતો ખુશ થયા છે.




















