મોરબી જિલ્લાની વીરનગર પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દાતાઓના સહયોગથી નવા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.

આંગણવાડીના બાળકોને ધોરણ-1માં વાંજતે ગાજતે પ્રવેશ અપાઈ શિક્ષણના પ્રથમ પગથિયે આગવું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાળાના સો ટકા હાજર વિદ્યાર્થીઓ તેમજ જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, NMMS અને જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

દાતાઓનું આભાર સ્વરૂપે તેમને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, શાળાના આચાર્યો, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિ રહી હતી.

























