
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે (4 ડિસેમ્બર) દિલ્હીના માણેકશૉ સેન્ટર ખાતે રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રેઈ બેલોઉસોવ સાથે બેઠક યોજીને ભારત-રશિયાના દોસ્તી અંગે મહત્ત્વની વાત કરી છે. રાજનાથ સિંહે કહ્યું છે કે, ‘રશિયા આજે પણ ભારતનો વ્યૂહાત્મક અને વિશ્વાસપાત્ર ભાગીદાર છે, ખાસ કરીને સંરક્ષણ અને તકનીકી સહયોગના ક્ષેત્રમાં…’

બંને દેશોના સંબંધો મજબૂત
રાજનાથ સિંહે કહ્યું કે, ‘વૈશ્વિક ભૂ-રાજકીય પરિવર્તનો છતાં બંને દેશોના સંબંધો અડીખમ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે સતત સંવાદ થવાના કારણે બંને દેશોના સંબંધો વધુ ગાઢ બન્યા છે.’ બેઠકમાં સૈન્ય ઉત્પાદન, સંયુક્ત વિકાસ, લાયસન્સવાળી મેન્યુફેક્ચરિંગ અને તકનીકી હસ્તાંતરણ સહિતના તમામ મહત્ત્વના ક્ષેત્રો પર વિગતવાર ચર્ચા થઈ હતી.

2030 સુધી 100 અબજ ડૉલરના વેપારનું લક્ષ્ય
રશિયા-ભારત હવે વેપારી ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે. રશિયાના નાણા મંત્રી એન્ટોન સિલુઆનોવે આશા વ્યક્ત કરી કે ‘બંને દેશો 2030 સુધીમાં 100 અબજ અમેરિકી ડૉલરના વાર્ષિક વેપાર લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકે છે. 2018માં નિર્ધારિત કરાયેલ 30 અબજ ડૉલરનું લક્ષ્ય આજે 68 અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે, જે અપેક્ષા કરતાં વધુ છે. બંને દેશોના વેપારમાં વૃદ્ધિ પાછળ ઊર્જા, સંરક્ષણ, નાણાકીય સેવાઓ અને ઉદ્યોગો વચ્ચેનો વધતો સહયોગ જવાબદાર છે.’ આમ છેલ્લા સાત વર્ષમાં વેપાર ભાગીદારી છસ્સો ટકા વધી ગઈ છે.

બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વની ભાગીદારી
દાયકાઓથી, રશિયા ભારતનું સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ શસ્ત્ર સપ્લાયર રહ્યું છે. ભારતીય વાયુસેનાના સુખોઈ Su-30 MKI લડાકુ વિમાનો, મિગ સિરીઝના વિમાનો, અને ભારતીય સેનાના મુખ્ય યુદ્ધ ટેન્ક T-90 તેમજ સબમરીન રશિયા પાસેથી મેળવવામાં આવી છે. રશિયાએ અન્ય દેશોની તુલનામાં ભારતને સંરક્ષણ ટૅક્નોલૉજી ટ્રાન્સફર કરવામાં હંમેશા વધુ સહકાર આપ્યો છે. બંને દેશોએ ભેગા મળીને વિશ્વની સૌથી ઝડપી બ્રહ્મોસ મિસાઇલ બનાવેલી છે. આ ઉપરાંત ભારતમાં જ લાયસન્સ હેઠળ Su-30 MKI વિમાનો અને T-90 ટેન્કનું નિર્માણ થઈ રહ્યું છે.

બંને દેશો વચ્ચે કયાં વર્ષે કેટલી વેપાર ભાગીદારી વધી
2024-25 – 80 બિલિયન ડૉલર
2023-24 – 68 બિલિયન ડૉલર

2022-23 – 49.9 બિલિયન ડૉલર
2021-22 – 13.1 બિલિયન ડૉલર
2020-21 – 8.1 બિલિયન ડૉલર

2019-20 – 10.9 બિલિયન ડૉલર
2018-19 – 11.9 બિલિયન ડૉલર


