
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ હવે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી છે. આ નિર્ણય અમેરિકાના નવા ફરમાનના કારણે ભારતે આ મોટો નિર્ણય લેવાની નોબત આવી છે.

30 જુલાઈ, 2025 ના રોજ યુએસ સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અમેરિકાએ હવે 800 ડોલર સુધીના સામાન પર કસ્ટમ ડ્યુટીમાં મળતી છૂટ ખતમ કરી છે. અત્યાર સુધી 800 ડોલર સુધીના સામાન પર ડ્યુટી લાગતી નહોતી. પણ હવે એવું થશે નહીં. ભારતથી અમેરિકા જતાં સામાન પર 29 ઓગસ્ટથી કસ્ટમ ડ્યુટી લાગશે.

યુએસના આદેશ મુજબ, આંતરરાષ્ટ્રીય પોસ્ટલ નેટવર્ક અથવા યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા મંજૂર કરાયેલા અન્ય પક્ષો દ્વારા માલ પહોંચાડતી એરલાઇન્સે પણ પોસ્ટલ શિપમેન્ટ પર ટેરિફ વસૂલવા અને ચૂકવવા જરૂરી છે. આ સંદર્ભમાં, CBPએ 15 ઓગસ્ટના રોજ માર્ગદર્શિકા પણ જારી કરી છે, પરંતુ કર સંગ્રહ અને મોકલવાની સિસ્ટમ જેવી ઘણી બાબતો હજુ નક્કી થઈ નથી.

જેના કારણે અમેરિકા જતી એરલાઇન્સે 25 ઓગસ્ટ, 2025 પછી પોસ્ટલ કન્સાઇન્મેન્ટ સ્વીકારવામાં અસમર્થતા વ્યક્ત કરી છે, કારણ કે તેમણે ઓપરેશનલ અને ટેકનિકલ તૈયારીનો અભાવ દર્શાવ્યો છે. આ બધા કારણોને ધ્યાનમાં રાખીને, પોસ્ટ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકા જતી તમામ પ્રકારની પોસ્ટલ વસ્તુઓનું બુકિંગ અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ હવે US $ 100 સુધીની પોસ્ટ મોકલી શકાય છે.

ભારતીય પોસ્ટ વિભાગે કહ્યું છે કે જે ગ્રાહકોએ આવી સેવા પહેલાથી જ બુક કરાવી હતી અને હવે આ પરિસ્થિતિઓને કારણે અમેરિકા પાર્સલ મોકલી શકતા નથી તેઓ રિફંડનો દાવો કરી શકે છે. પોસ્ટ વિભાગે ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે અને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં અમેરિકામાં સંપૂર્ણ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે પગલાં લેવામાં આવશે.

















